ઝારખંડ, તા.૨૩
ઝારખંડમાં બીજેપીનો દાવ ઉલ્ટો પડ્યો છે. ભાજપે નવી બેઠકો જીતવા પર ફોકસ કર્યું અને ૧૧ નવી બેઠકો જીતી. પરંતુ એવી ૧૪ બેઠકો ગુમાવી, જે ૨૦૧૯માં જીતી હતી. બીજી તરફ, હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચાએ ૩૦માંથી ૨૫ બેઠકો જાળવી રાખી છે. આ ઉપરાંત ૮ નવી બેઠકો પણ જીતી હતી.
કોંગ્રેસે ૧૬માંથી ૧૧ બેઠકો જાળવી રાખી છે અને ૫ નવી બેઠકો પણ જીતી છે. ઝારખંડના પરિણામોમાં આ નિર્ણાયક પરિબળ હતું. ઝારખંડ ૫ પોલિટિકલ રીજનમાં વહેંચાયેલું છે. ભાજપને તેના ગઢ ગણાતા છોટાનાગપુર વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડી અહીંથી આવે છે.
આ સિવાય આદિવાસી બહુલ સંથાલ પરગણામાં ભાજપ લગભગ સાફ થઈ ગયું છે. ચંપાઈ સોરેનના કોલ્હન વિસ્તારમાં ભાજપે ૨ નવી બેઠક જીતી છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના વલણો અનુસાર હેમંત સોરેનની જેએમએમ ફરી સત્તામાં આવશે તે નિશ્ચિત છે. ૮૧ બેઠકો પર મતગણતરી દરમિયાન, વલણો અનુસાર, ત્નસ્સ્ ગઠબંધન ૫૬ બેઠકો પર આગળ છે. આ આંકડો ૪૧ની બહુમતી કરતાં ૧૫ બેઠકો વધુ છે. જીત બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાના પુત્રોનો ફોટો શેર કર્યો અને લખ્યું- મારી તાકાત. પત્ની કલ્પના પણ જીતી છે. રાજ્યની ૮૧ બેઠકો પર ૧૩ અને ૨૦ નવેમ્બરે મતદાન થયું હતું, જેમાં ૬૮% મતદાન થયું હતું. આ અત્યાર સુધીની સૌથી વધુ મતદાન ટકાવારી છે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં જેએમએમને ૩૦, કોંગ્રેસે ૧૬ અને આરજેડીએ એક સીટ જીતી હતી. ત્રણેય પક્ષોનું ગઠબંધન હતું. ત્યારબાદ જેએમએમના નેતા હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યા. ભાજપને ૨૫ બેઠકો મળી હતી.