સુરત, તા.૨૩
મહારાષ્ટ્રના રાજકારણમાં જે પ્રકારે છેલ્લા ઘણા વર્ષોથી ઉથલપાથલ થઈ રહી છે તેના કારણે આ વખતની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની બની હતી કારણ કે ઘણા બધા રાજકીય પરિવારોના અસ્તિત્વ દાવ પર લાગ્યા હતા. જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાની સાથે અન્ય પાર્ટીઓને રાખી હતી તેને લઈને પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો અને આખરે તેમને સફળતા પણ મળી છે.
મહારાષ્ટ્રના લોકોએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષો ઉપર મોહર મારી દીધી છે. ત્યારે ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ભાજપની જીત પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હવે કેટલીક પાર્ટીઓએ પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડવી પડે તેવી સ્થિતિ છે.
મહારાષ્ટ્રમાં જે પ્રકારે રાજકીય પરિસ્થિતિ જાેવા મળી હતી. એનસીપી અને શિવસેનાનો આંતરિક વિખવાદ અને તેમાંથી ઊભા થયેલી લડાઈ બાદ આ વખતની મહારાષ્ટ્રની ચૂંટણી ખૂબ જ રોચક થઈ ગઈ હતી. એનસીપી શરદ પવાર જૂથમાંથી છૂટા પડી અજીત પવારે પોતાની લડાઈ શરૂ કરી પક્ષની સામે જ બીજી તરફ શિવસેના ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સામે તેના જ એકનાથ શિંદે સામી લડાઈ શરૂ કરવામાં આવી હતી.
ભાજપ દ્વારા આ બંને સાથે સારું ગઠબંધન કરીને ચૂંટણીમાં જીત મેળવવા માટે તમામ પ્રકારની રણનીતિ ગ્રાઉન્ડ લેવલ ઉપર ઉતારી હતી જેના પરિણામ સ્વરૂપે આજે જે પ્રકારની સ્થિતિ હતી અને જે પરિણામ આવવાના હતા તેના કરતાં પણ ભારતીય જનતા પાર્ટી અને તેની સાથેની પાર્ટીના ઉમેદવારોને જીતાડવામાં સફળ રહ્યા અને આખરે મહારાષ્ટ્રની રાજનીતિમાં પરિણામ આવતા ની સાથે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટી સાથેની ગઠબંધનની પાર્ટીઓનો ભવ્ય વિજય થયો છે.મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીનું આવેલું પરિણામ બાદ પ્રદેશ પ્રમુખ અને કેબિનેટ મંત્રી સીઆર પાટીલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ વખતે જે પરિણામ આવ્યું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે મહારાષ્ટ્રના રાજકારણમાં કેટલીક પાર્ટીઓ પોતાનું અસ્તિત્વ બચાવી શકશે કે કેમ તેનો પ્રશ્ન ઊભો થઈ ગયો છે. તેઓ પણ હવે સમજી ગયા છે કે તેમનું રાજકીય અસ્તિત્વ કેટલું બાકી રહ્યું છે.
વડાપ્રધાને એક રહેંગે તો સેફ રહેંગેનું જે સૂત્ર વહેતું મૂક્યું હતું તેને લોકોએ સ્વીકારી લીધું છે મહારાષ્ટ્રની મતદારો ખૂબ જ સમજદાર છે અને તેમણે વાત સમજી પણ લીધી હતી અને તેનું પરિણામ છે કે આજે ભાજપને વિજય મળ્યો છે.