- દાદા પરિવારના સભ્યોએ હાથથી નામની એન્ટ્રી કરાવીને ગુજરાતભરમાં ખેતીલાયક જગ્યા ખરીદી પણ મૂળમાં જ છિંડા
(સિટી ટુડે) સુરત, તા.૨૪
ખેડૂત બનવા માટે સરકારી રેકર્ડ સાથે ચેડાં કરવામાં સુરતના નામાંકિત બિલ્ડરની સંડોવણી બહાર આવતા ધોરાજી સમાજમાં ચકચાર મચી ગઈ છે. મેમણ સમાજના મોટામાથાઓ પૈકીના એક એવી દાદા ફેમિલીએ ખેડૂત બનવા માટે અદાણીની જેમ લાંચ આપી હોય તેવું ચિત્ર ઉપસીને બહાર આવતાં મેમણ કુટુંબને લોકો શંકાની નજરે જાેવા લાગ્યા છે.
સોલાર પાવર પ્રોજેક્ટ માટે ભારતના બ્યૂરોક્રેટ્સને ૨૧૦૦ કરોડ રૂપિયાની લાંચ આપવાના ચકચારીત પ્રકરણમાં સપડાયેલા ગૌતમ અદાણી અને તેના સાથીઓ વિરૂદ્ધ અમેરિકાની કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે પરંતુ ભારતમાં તેનો વાળ પણ વાંકો થયો નથી. મહારાષ્ટ્રની ચૂંટણીમાં વ્યસ્તતાને કારણે કદાચ ભારતીય તપાસ એજન્સીઓને સમય મળ્યો નહી હોય પરંતુ હવે પરિણામ ભાજપની તરફેણમાં આવી ગયું છે એટલે ઝડપથી અદાણી સામે કાર્યવાહી કરવામાં આવે એવી દેશની જનતામાં લાગણી જન્મી રહી છે.
સુરતમાં પણ કઈંક આવા જ અદાણીઓ બેઠાં છે જે ભ્રષ્ટ બ્યુરોક્રેટ્સને રૂપિયા રૂપી લાંચ ચાંપીને ખોટું કરાવતા આવ્યા છે જેમાં સુરતના નામાંકિત મેમણ અગ્રણીના કુટુંબની સંડોવણી બહાર આવી રહી છે. સુરતના ચોર્યાસી તાલુકાસ્થિ પોપડા ગામે બ્લોક નં.૨૩૯ વાળી ખેતીલાયક જમીનનો વર્ષ ૨૦૧૧માં સોદો કર્યા બાદ ખેડૂત ખરાઈના દાખલા માટે દાદા પરિવારના વંશજાેએ તડકેશ્વર (તા.માંડવી, સુરત)ની સ.નં. ૬૪૪-૧, બ્લોક નં. ૮૮૮ વાળી જમીનના દસ્તાવેજાે આપ્યા હતા. જેને આધારે પોપડાની જમીનમાં દાદા કુટુંબના નામ ખેડૂત ખાતેદાર તરીકે દર્જ થયા હતા અને ખેતીલાયક જમીન કુટુંબના નામે થઈ હતી. આ મામલામાં જુના રેકર્ડ ચકાસવામાં આવ્યા ત્યારે ચોંકાવનારી હકીકત બહાર આવી છે.
તડકેશ્વરવાળી જમીનના મુળ માલિક એવા ઈબ્રાહિમ ઈસ્માઈલ મેતર તેમજ ફાતેમા મેતરના નામે ચાલી આવેલી ખેતીલાયક જમીનમાં દાદા કુટુંબે ખોટી રીતે હાથથી એન્ટ્રી પડાવ્યા બાદ ખેડૂત ખાતેદાર બનવા ગુનાહિત કૃત્ય આચર્યું હતું તેમજ સરકારી રેકર્ડ સાથે ચેડાં કરીને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનવાનું પાપ કર્યું હતું. આ મામલાની તપાસ કરતાં સોશિયલ એક્ટિવિસ્ટ શાકિર શેખ ઉર્ફે મસ્તાને ૬૦-૭૦ વર્ષ જુના રેકર્ડની ચકાસણી કરી છે જેમાં બનાવટી અક્ષરથી સત્તાર હાજી હાસિમનું નામ ચઢાવ્યા બાદ વારસાઈને આધારે દાદા કુટુંબના નામો ખેડૂતને આધારે ચઢાવી દીધા હતા. આ મામલામાં ગુજરાતના મુખ્યમંત્રી તેમજ સુરતના કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. અને જવાબદારો સામે કાર્યવાહી કરીને પોપડાની જમીન સરકાર હસ્તક દાખલ કરવા પણ માંગ કરી છે.
- ધોરાજીના વતની અને તડકેશ્વરમાં ખેડૂત કેવી રીતે બન્યા!
સુરતને કર્મભૂમિ બનાવનાર દાદા ફેમિલી મુળ રાજકોટના ધોરાજીના વતની છે. સત્તાર હાજી હાસિમનું જન્મ અને તેમની સંતાનોના જન્મ ધોરાજીમાં જ થયા અને યુવાન થયા ત્યાં સુધી ધોરાજી જ રહ્યાં પછી રોજીરોટીની તલાશમાં સુરત આવી પહોંચેલા પરિવારે શરૂઆતના દિવસોમાં ખુબ સંઘર્ષ કર્યો અને સફળતા હાંસલ કરી પરંતુ સરકારી રેકર્ડ જાેતાં માલુમ પડે છેકે આ પરિવારની ધોરાજીમાં કોઈ ખેતીલાયક જગ્યા ન હતી. તો પછી તડકેશ્વરની જમીનમાં માલિક કેવી રીતે બન્યા આ મુદ્દો જ શંકા ઉપજાવનારો છે.