- શાંતિ-સલામતી-સદભાવના સુદઢ કરવા ધર્મ-જાતિને દરકિનાર કરી સામાજિક સંસ્થાઓએ કાયદાનું રાજ પુનઃસ્થાપિત કરવા આગળ આવવું પડશેઃ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
- ડો. ઉદિત રાજ દ્વારા ૧લી ડિસેમ્બર રામલીલા મેદાન, નવી દિલ્હી ખાતે આયોજિત દલિત, મુસ્લિમ, પછાત, આદિવાસી એકતાના મહાસંમેલનમાં હાજર રહેવા આંબેડકર કારવાંના પ્રમુખ સુ રત્નાબેન વોરાની અપીલ
(સિટી ટુડે) અમદાવાદ,તા.૨૫
ગત રોજ તા.૨૪/૧૧/૨૦૨૪ ના રોજ રખિયાલ ખાતે વણકર સમાજ ભવનમાં, આંબેડકર કારવાંના પ્રમુખ સુ રત્નાબેન વોરાની આગેવાનીમાં સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ, પુર્વ ધારાસભ્ય અને પુર્વ મેયર હિંમતભાઈ પટેલ ત્રણ ટર્મ ચુંટાયેલા, દલિત મુસ્લિમ એકતાના પ્રતિક અને ગુજરાતના મુસ્લિમોનો અવાજ ગ્યાસુદ્દીન શેખ, જમીઅતે ઈસ્લામે હિંદના જનરલ સેક્રેટરી મુકતી અબ્દુલકક્યૂમ સાહેબ, જમીઅતે ઉલમાએ હિંદના જનરલ સેક્રેટરી પ્રોફેસર નિસાર અંસારી, ઓ.બી.સી. એકતા મંચના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી દિપસિંહ ઠાકોર, જમાઅતે ઈસ્લામી હિંદના અમદાવાદ શહેરના પ્રમુખ ઈકબાલ ર્મિજા, સુપ્રસિદ્ધ દૈનિક અખબાર ગુજરાત ટુડે ના ટ્રસ્ટી અને બહાદૂરીપૂર્વક પીડીતોના ન્યાય માટે નિઃસ્વાર્થ કાનૂની લડાઈ લડતા હાઈકોર્ટના એડવોકેટ સુહેલ તિરમીજી, દેશ લાઈવના સિનીયર બેબાક પત્રકાર સહલ કુરેશી, ડો.નિતિન ગુર્જર, દલિત આગેવાન એડવોકેટ નરેન્દ્ર સોલંકી, દલિત આગેવાન પી.કે.કલાપી અને સત્યમ એપાર્ટમેન્ટ એસોસીએશનના પ્રમુખ એલ.આર. પરમાર, સઈદ શેખ, રમેશ રાઠોડ, પ્રકાશ વાણિયા એ વિશેષ હાજરી આપેલ. કાર્યક્રમનું સફળ સંચાલન સામાજિક નેતા જુનેદ શેખે કર્યું હતું.
આંબેડકર કારવાંના પ્રમુખ સુ રત્નાબેન વોરાએ સંબોધનમાં જણાવ્યુ હતું કે, ૧લી ડિસેમ્બરના રોજ રામલીલા મૈદાન, દિલ્લી ખાતે કોંગ્રેસના અસંગઠીત કામદાર તથા કર્મચારી કોંગ્રેસના રાષ્ટ્રીય ચેરમેન ડો.ઉદીત રાજની અધ્યક્ષતામાં દલિત, આદિવાસી, પછાત અને મુસ્લિમ એકતા માટે તેમજ જાતિગત જનગણના દ્વારા સામાજીક ન્યાય, આરક્ષણની મર્યાદા ૫૦% થી વધારવા, બેલેટ પરથી વોટીંગ કરાવવા, નવા વકફ કાનૂન વિરૂધ્ધ અવાજ ઉઠાવવા, મોબ લીંચીંગ, બુલડોઝર તેમજ ઉશ્કેરણીજનક ભાષણો વિરુધ્ધ દેશમાં કાનૂનનું રાજ પુનઃ સ્થાપિત થાય તે માટે મહાસંમેલન બોલવવામાં આવેલ છે જેમાં તમામ સમાજના આગેવાનોને ભાગ લેવા નવી દિલ્લી જવા માટે અપીલ કરેલ હતી. ગુજરાત ટુડેના ટ્રસ્ટી અને ગુજરાત હાઈકોર્ટના કાબેલ એડવોકેટ સુહેલ તિરમીજીએ જણાવેલ કે વર્તમાન સમયમાં સમાજના તમામ ધર્મ જાતિના લોકો અસલામતી અનુભવી રહ્યા છે. તમામ સમાજના ગરીબો અને વિશેષ કરીને દલિત અને મુસ્લિમોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે.
સુહેલ તિરમીજીએ તેમના સંબોધનમાં જણાવ્યુ હતું કે માનવ અધિકારો માટે લડતા સિવીલ સોસાયટીના લોકોએ ગાંધીચિંધ્યા માર્ગે ન્યાયની લડાઈ લડવા માટે આગેવાની લેવી પડશે. વર્તમાન સરકાર પ્રજાને ન્યાય અને સદભાવના જાળવવામાં નિષ્ફળ નિવડી રહી છે. અમને ભારતીય ન્યાય પાલિકા પ્રત્યે સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે. સંવૈધાનિક અધિકારો પ્રાપ્ત કરી કાયદાનું રાજ પુનઃ સ્થાપિત કરવા, સામાજિક હિતોની રક્ષા કરી સમાજને ન્યાય અપાવવા માટે નામદાર હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ દ્વારા કાનૂની લડત લડવા દરેક સમાજના વકીલઓએ પોતાની ફી અને મહેનતાણાની પરવા કર્યા વગર કાનૂની લડત લડી પોતાનું યોગદાન આપવા ઈમાનદારીપૂર્વક આગળ આવવું પડશે.
ગુજરાતના સર્વ સમાજની ર્નિભયપણે હક્કની અવાજ બુલંદ કરતા કોમી એકતાના પ્રખર હિમાયતી, ત્રણ વખતના સિનીયર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મીટીંગને સંબોધન કરતા જણાવેલ કે હાલના સંજાેગોમાં ગુજરાતની ૯.૫ કરોડ ની જનતા ઉચ્ચ જ્ઞાતિઓના ગરીબો સહિત વિશેષ કરીને દલિત, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ સમાજના લોકો અન્યાય, અત્યાચાર, બેકારી, મોંઘવારીથી ત્રસ્ત છે. હવે સમયની માંગ છે કે આપણે ધર્મ જાતિથી ઉપર ઉઠી સર્વે પીડીત સમાજના આગેવાનો એક થાય તેમજ સમાજને જાગૃત કરી દેશમાં સંવિધાનની રક્ષા, બિનસાંપ્રદાયિકતા, સામાજિક ન્યાય, સદભાવના સુદ્દઢ કરવા અને દેશમાં કાયદાનું રાજ પુનઃ સ્થાપિત કરવા આગળ આવે.
શેખે આંબેડકર કારવાં સંસ્થાના પ્રમુખ સુ રત્નાબેન વોરા દ્વારા અન્યાય, અત્યાચાર સામે કાનૂની લડત લડવા પ્રતિબદ્ધતાની ભરપૂર પ્રસંશા કરી હતી. પ્રો. નિસાર અન્સારી, મુફતી અબ્દુલ કૈયુમ, ઈકબાલ ર્મિજા, દિપસિંહ ઠાકોર, ડો.નિતીન ગુર્જર, એડવોકેટ નરેન્દ્ર સોલંકી, પી.કે. કલાપીએ ગુજરાતની ૬.૫ કરોડ જનતા સહિત તમામ ધર્મ જાતિના ગરીબો, વિશેષ દલિત, મુસ્લિમ, આદિવાસી, ઓબીસી સમાજના ન્યાયિક અધિકાર મેળવવા, શાંતિ સદભાવનાનો માહોલ જાળવી રાખી એકજુટ થવા વિશેષ ભાર મૂકી આંબેડકર કારવાંના લડાયક નેતા સુ રત્નાબેન વોરાને સંપૂર્ણ સાથ સહકારની ખાતરી આપી હતી.
સભાના અંતમાં ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ૧લી ડિસેમ્બર નવી દિલ્લી, રામલીલા મેદાનના કાર્યક્રમ બાદ આંબેડકર કારવાં ના નેજા હેઠળ ટૂંક સમયમાં પૂર્વ સાંસદ ડો. ઉદિત રાજજી, પૂર્વ સાંસદ અને (IMCR) ના અધ્યક્ષ મોહંમદ અદીબ સાહેબ, ત્રણ ટર્મના પૂર્વ રાજ્યસભા સાંસદ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ના ઉપપ્રમુખ ઓબેદુલ્લાખાન સાહેબ ની હાજરીમાં અન્ય મહત્વપૂર્ણ સામાજિક – ધાર્મિક સંસ્થાઓના માર્ગદર્શન અને વડપણ હેઠળ ગુજરાતના માનવ અધિકારોની લડાઈ લડતા સામાજિક આગેવાનો અને સોસ્યલ એકટીવીસ્ટોની મિટીંગનું આયોજન કરી સંવૈધાનિક ન્યાય, બિનસાંપ્રદાયિકતા, સામાજીક ન્યાય અને કાયદાનું રાજ પુનઃ સ્થાપિત કરવાની રણનિતી નક્કી કરવા ચર્ચા વિચારણા કરવામાં આવશે.