- નિષ્પક્ષ તપાસ કરવા માટે અધિકારીઓને સૂચના, ફરિયાદી છેક સુધી લડી લેવા મક્કમ
(સિટી ટુડે) સુરત. તા.૨૫
ખેડૂત બનવા માટે સરકારી રેકર્ડ સાથે ચેડાં કરનાર દાદા કુટુંબ સામે સામાજિક રોષ વ્યાપી ગયો છે બીજી બાજૂ કલેક્ટર કચેરીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો હોવાની વિગતો બહાર આવી રહી છે.સુરતના સોશિયલ એક્ટિવિસ્ટ સાકીર શેખ ઉર્ફે મસ્તાને માંડવી તાલુકાના તડકેશ્વરસ્થિત આવેલી બ્લોક નં. ૮૮૮ વાળી જમીનના જુના રેકર્ડ કઢાવ્યા ત્યારે અત્યંત સ્ફોટક અને ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સુરતના પ્રતિષ્ઠિત બિલ્ડરો પૈકીના એક એવા આરીફ દાદા અને તેના કુટુંબીજનોએ ખેડૂત બનવા માટે તડકેશ્વર વાળી જમીનના સરકારી રેકર્ડમાં બનાવટી રીતે નામ દાખલ કરીને ગુનાહિત કૃત્ય આચર્યું હતું.મુળ માતર ફેમિલીની જમીનમાં ધોરાજી મેમણ સમાજના અગ્રણીએ પોતાના પિતાનું નામ દાખલ કરીને રેવન્યુ રેકર્ડમાં ચેડાં કર્યા હતા અને તે જમીનના આધારે સચીન નજીક પોપડા ગામની ખેતીલાયક જમીન ખરીદી હતી. ખેડૂત તરીકેનો બેઝ બનાવવા માટે તડકેશ્વરની જમીનમાં કડદો કર્યો હોવાની વિગતો બહાર આવ્યા પછી દાદા કુટુંબની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેઓ કોઈપણ પ્રત્યુત્તર આપવાની સ્થિતિમાં નથી.બીજી તરફ સાકીર મસ્તાને ગુજરાતના મુખ્યમંત્રી સહિત સુરતના કલેક્ટર સમક્ષ ફરિયાદ કરીને ઝીણવટભરી તપાસની માંગ કરી છે જેને પગલે કલેક્ટર કચેરીમાં પણ તપાસનો ધમધમાટ પણ શરૂ થયો હોવાની વિગતો બહાર આવી રહી છે. રેકર્ડની ચકાસણી કરતાં માલૂમ પડે છે. સત્તાર હાજી હાસીમના અવસાન બાદ હસ્તલિખિત ૭-૧૨માં બનાવટી એન્ટ્રી પાડીને ખેડૂત ખાતેદાર બનેલા દાદા કુટુંબે ત્યારબાદથી ગુજરાતમાં અનેકસ્થળે ખેતીલાયક જગ્યા ખરીદી હોવાની હકીકત પણ બહાર આવી રહી છે. આ કાંડની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક મડદાં બહાર આવી શકે છે. બનાવ સંદર્ભે કેટલાંક લેભાગુ તત્વોએ ફરિયાદીનો સંપંર્ક સાધીને આડકતરી રીતે ધમકી આપવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ સાકીર મસ્તાને છેક સુધી લડી લેવા નિર્ધાર કર્યો છે.