(સિટી ટુડે) સુરત, તા.૨૭ અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્ય વિરુદ્ધ શાળાનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ નોંધાઈ. આચાર્ય કઠવાડા પોલીસ સ્ટેશનમાં પોતાના અપહરણની ફરિયાદ નોંધાવવા ગયા ને તપાસ દરમિયાન પોતે એનઓસી વગર જ ૩૩ વખત વિદેશપ્રવાસનો રેકોર્ડ ખુલતાં તેમનો ચાલુ નોકરીએ દુબઈમાં વેપાર કરતા હોવાનો ભાંડો ફૂટ્યો. હાલ, આચાર્ય અકસ્માતનું બહાનું કાઢીને મેડિકલની લીવ પર ઉતરી ગયા છે.કોઈપણ સરકારી શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને એનઓસી લઈ જાણ કરવાની હોય છે. આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈ તેને રૂબરૂ ખુલાસા માટે તેને નોટિસ આપી છે. દુબઈ ફરવા ગયા હશે તો પાસપોર્ટ પર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે. જાણ કર્યા વગર કે ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈ સઘન તપાસ શરૂ કરાય છે. ટૂંક સમયમાં તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે રીતની ફરિયાદ મળી છે, તેમાં જાે આચાર્ય દોષિત જાહેર થાય તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે છે. શાળાના રજીસ્ટરથી લઈ ઓનલાઇન રજીસ્ટરની હાજરી સુધીની તપાસ શરૂ કરી છે. સંજય પટેલ અમરોલીની સ્નેહ રશ્મિ શાળામાં આચાર્ય તરીકે ૧૦ વર્ષથી ફરજ બજાવે છે. આશરે ૮ મહિના પહેલાં નિકોલમાં સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં જીગ્નેશ બલદાણીયાની ઓળખ શિક્ષકના દુબઈ રહેતા મિત્ર ચંદ્રેશ મકાસણા સાથે થઈ હતી. ચંદ્રેશ મકાસણા વઢવાણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલનો ભત્રીજાે છે, જેનું મૂળ વતન સુરેન્દ્રનગર છે. જીગ્નેશની સંજય પટેલ અને ચંદ્રેશ મકાસણા સાથે મિત્રતા બંધાઈ ગઈ. મિત્રતાના સંબંધ એટલા ગાઢ બની ગયા કે એકબીજા સાથે નાણાંકીય લેવડદેવડ પણ ચાલતી હતી. આ દરમિયાન પૂર્વ ધારાસભ્યના ભત્રીજા ચંદ્રેશે ઉછીના નાણાંની માગ કરતાં શિક્ષક સંજય પટેલે જીગ્નેશ તેમજ કુલદીપ સોલંકી નામના વ્યક્તિ પાસે ૩.૫૦ કરોડની સગવડ કરાવી આંગડિયા મારફતે દુબઈ મોકલી આપ્યાં હતાં. ત્યારબાદ જીગ્નેશ અને કુલદીપે ચંદ્રેશ પાસે પૈસા માંગતા તેણે આપવાની ના પાડી દીધી. આ કારણોસર બંનેએ ૧૯ નવેમ્બરના રોજ શિક્ષક સંજય પટેલને ફોન કરીને કહ્યું હતું કે, જીગ્નેશનો ફોન આવ્યો હતો અને ધંધા માટે મણિનગર ખાતે આવેલી કુલદીપની ઓફિસે બોલાવ્યા છે. ફોન આવ્યાના એક દિવસ બાદ શિક્ષક મણિનગર ખાતે આવેલી કુલદીપની ઓફિસમાં પહોંચ્યો. જ્યાં જીગ્નેશ અને કુલદીપે શિક્ષકને ઢોર માર માર્યો અને બળજબરીપૂર્વક તેના બે ફોન, પર્સ અને કાર પડાવી ઓફિસમાં ગોંધી રાખ્યો. ત્યારબાદ કુલદીપે પોતાના ડ્રાઇવર અને રૉકી નામના શખસ સાથે મળી શિક્ષકને તેની જ કારમાં બળજબરીપૂર્વક બેસાડી સુરેન્દ્રનગર લઈ જવા નીકળ્યાં. તે દરમિયાન રસ્તા વચ્ચે જીગ્નેશ સાથે વાતચીત થતાં ફરી પોતાની ઓફિસે પહોંચ્યા હતાં. ત્યારબાદ મોડી રાત સુધી કુલદીપે શિક્ષકને પોતાની ઓફિસમાં ગોંધી રાખ્યો અને કહ્યું કે, ‘તારા મિત્રના પૈસા તારે જ આપવાના છે.’ આવું કહીને તેને માનસિક પરેશાન કરવામાં આવ્યો. ત્યારબાદ કુલદીપ, જીગ્નેશ અને અન્ય બે શખસોએ સાથે મળી શિક્ષકને કારમાં બેસાડી જાણુ ગામ ખાતેના ફાર્મ હાઉસમાં લઈ ગયાં. ત્યાં ફરી શિક્ષકને ગોંધી રાખ્યો અને ત્યાં તેમના માણસોએ હોકી અને ગડદાપાટુથી શિક્ષકને ઢોર માર માર્યો. જાેકે, શિક્ષક ટોઈલેટ જવાના બહાને ત્યાંથી ભાગીને કઠવાડા ખાતે પહોંચી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં અલગ જ ઘટસ્ફોટ થયો.