સુરત, તા.૨૮
શહેરના રાંદેર પોલીસ મથકમાં અડાજણમાં રહેતા યુસુફ મિયા મહંમદ મંડપવાલા અને તેની પત્ની હબીબા વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આરોપીએ હિન્દુ નામ ધારણ કરીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી, લગ્નનો વાયદો કરીને ગર્ભપાત કરાવ્યો હતો. વર્ષ ૨૦૦૦માં, કોલેજમાં અભ્યાસ કરતી રાંદેરમાં રહેતી યુવતી સાથે આરોપી યુસુફ મિયાએ પોતાની હિન્દુ તરીકે ઓળખ આપી કમલસિંહ નામ ધારણ કરીને મિત્રતા બનાવી હતી. યુવક અવારનવાર યુવતીને મળવા બોલાવતો અને લગ્નનો પ્રલોભન આપીને શારીરિક સંબંધો બાંધતો હતો. આ સમય દરમિયાન, યુવતી ગર્ભવતી થઈ હતી, પરંતુ યુસુફ મિયાએ તેને ગર્ભપાત કરાવવા મજબૂર કરી. ગર્ભપાત બાદ પણ યુવક તેની સાથે શારીરિક સંબંધો જાળવતો રહ્યો. ૨૦૨૪માં, યુસુફ મિયાએ યુવતીના નામે લોન લઇ મોપેડ ખરીદી હતી. બાદમાં તે મોપેડ તેના પોતાના નામે કરાવવા માટે દબાણ કરતો હતો. યુવતીએ તેનો ઇનકાર કરતા, યુસુફ અને તેની પત્ની હબીબા યુવતીના ઘરે પહોંચી, ધમકીઓ આપી અને યુવતી પર શારીરિક હિંસા પણ ગુજારી. આ સમગ્ર પ્રકરણમાં, ભોગ બનનાર યુવતીએ રાંદેર પોલીસ મથકમાં બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. આ ફરિયાદના આધારે, યુસુફ મિયા અને તેની પત્ની હબીબાને વિરુદ્ધ આઇપીસી કલમ ૪૨૦ (છેતરપિંડી), ૩૭૬ (બળાત્કાર) અને ૫૦૬ (ધમકી) હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, આરોપીઓએ યુવતી સાથે લાંબા સમય સુધી છેતરપિંડી અને શોષણ કર્યું છે. આરોપીઓને ઝડપથી પકડી વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.