(સિટી ટુડે) સુરત, તા.૨૯
શહેરના શ્રીમંત મુસલમાનો માટે ગોરાટ રોડના દરવાજા ખોલનાર બિલ્ડર આરીફ દાદાની મુસીબતો ઓછી થવાની નામ નથી લઈ રહી. ખેડૂત ખાતેદાર બનવા માટે રેવન્યુ રેકર્ડમાં ચેડાં કરનારને બિનખેડૂત જાહેર કરવા વધુ એક ફરિયાદ કરવામાં આવતા નજીકના દિવસોમાં મોટો ધડાકો થવાની સંભાવના વધી ગઈ છે.માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે આવેલા માતર ફેમિલીની માલિકીવાળી ખેતીલાયક જમીનમાં ચેડાં કરવામાં આવ્યા હોવાનું બહાર આવતા જ રેવન્યુ કચેરી સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારીઓામં ફફડાટ વ્યાપી ગયો હતો. બીજી બાજુ ખોટું કામ કરવા માટે લાંચ આપનાર બિલ્ડર આરિફ દાદા અને તેના કુટુંબીજનોએ બ્લોક નં. ૮૮૮ના જુના પાણિયામાં હસ્તલિખિત નામ ચઢાવીને ખેડૂત ખાતેદાર બનવાનો કારસો રચ્યો હતો. જેમાં તેઓ સફળ પણ રહ્યાં હતા. આ એન્ટ્રીને આધારે દાદા પરિવારના સભ્યોએ ચોર્યાસી તાલુકાના પોપડા ગામમાં આવેલી ખેતી લાયક જગ્યા ખરીદી હતી અને ખેડૂત ખાતેદાર બની બેઠાં હતા. આ મામલે સોશિયલ એક્ટિવિસ્ટ શાકિર શેખ ઉર્ફે મસ્તાનને વિગતો હાથ લાગતા તેમણે દેશના શ્રેષ્ઠ નાગરિક હોવાની ફરજના ભાગરૂપે કલેક્ટર તેમજ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરીને જરૂરી કાર્યાવાહીની માંગ કરી છે.આ પ્રકરણમાં આજે વધુ એક ફરિયાદ કરવામાં આવતા દાદા પરિવારની મુસિબતમાં ખાસ્સો વધારો થઈ ગયો છે અને આખા કુટુંબનું પ્રેશર હાઈ થઈ ગયું હશે એવી પ્રબળ શક્યતા છે. માંડવી કૃષિપંચ મામલતદાર તેમજ ચોર્યાસીના મામલતદારને લેખિતમાં ફરિયાદ કરીને દાદા કુટુંબને બિનખેડૂત જાહેર કરવા માંગ કરવામાં આવી છે.
- બિનખેડૂત જાહેર થતાં જ હાથમાં હથકડી
કૃષિપંચ મામલતદાર તેમજ ચોર્યાસી મામલતદારને ફરિયાદ કરવામાં આવ્યા બાદ દાદા કુટુંબ પર કાનુની સકંજાે વધુ કસાયો છે. જાે બંનેમાંથી એક મામલતદાર દાદા કુટુંબને બિનખેડૂત જાહેર કરે તો તરત જ દાદા કુટુંબ સામે ફોજદારી ફરિયાદ દાખલ થશે અને પોલીસ પણ તૈયાર જ બેઠી છે. જેવી ફરિયાદ થઈ કે તેવા દાદા કુટુંબના તમામ એ સભ્યોને ઉંચકી લેવામાં આવશે જેઓ આ કાંડમાં સામેલ હતા અથવા તો ખોટી રીતે ખેડૂત બનીને ફાર્મહાઉસની મજા માણી રહ્યાં છે.