સુરત, તા.૦૧
ગુજરાતમાં દિવસેને દિવસે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સુરતના અલથાણમાં વોર્ડ ૩૦ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ૩૪ વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોકનો માહોલ છવાયો છે.
જાેકે, ઘટનાની જાણ થતાં સુરત અલથાણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચતા જ મહિલાનો પતિ ભાંગી પડ્યો હતો. જાેકે, મૃતકના પરિવારજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરવામાં આવી રહી છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.ભાજપ મહિલા મોરચાના વોર્ડ નં. ૩૦ના પ્રમુખના શંકાસ્પદ આપઘાત મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવશે. હત્યા કરવામાં આવી હોય તેવા કોઈ આક્ષેપ મૃતકના પતિએ કર્યા નથી. મૃતકના પતિ સાથે તમામ બાબતે ચર્ચા કરવામાં આવી છે. પરિવારજનોને ન્યાય પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે. પોસ્ટમોર્ટમ બાદ જે રિપોર્ટ આવશે તેને આધારે પોલીસ કાર્યવાહી કરશે. ઘણા એવા કેસોમાં થાય છે કે મૃતદેહને પરિવારજનો અથવા આસપાસના લોકો સીધા જ હોસ્પિટલ લઈ જાય છે. ત્યાર બાદ હોસ્પિટલ આવી પોલીસને જાણ કરવામાં આવે છે. આ પ્રકારની ઘટના ખૂબ જ સમાન્ય બબાત છે. જે પણ કાર્યવાહી છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવશે. હાલ પોલીસ આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પીઆઇ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદ મૃતક દીપિકાના પતિ, દીકરી, બે દીકરા, ચિરાગ, પીઆઇ આ બધા પોસ્ટમોર્ટમ રૂમમાં અંદર ગયા હતા. જાેકે, આ દરમિયાન ડીસીપી વિજયસિંહ ગુર્જર, ચોર્યાસી વિધાનસભા ધારાસભ્ય સંદીપ દેસાઈ, મેયર દક્ષેશ માવાણી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે અલથાણના ભીમરાડ ગામ ખાતે આવેલા બ્રાહ્મણ ફળિયામાં ૩૪ વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. પતિ ખેતી કામ કરે છે અને દીપિકાબેન સક્રિય રીતે ભાજપ સાથે જાેડાયેલા છે. હાલ દીપિકાબેન વોર્ડ નંબર ૩૦ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા.