સુરત, તા.૦૨
સુરત આરટીઓના ચોપડે અત્યાર સુધીમાં ૧ લાખ ઓટોરિક્ષા નોંધાઈ ચૂકી છે. હાલ ૫૦ હજારથી વધુ ઓટોરિક્ષાઓ સુરતના રસ્તાઓ પર દોડી રહી છે. આ ઓટોરિક્ષા પૈકી હજારો ઓટોરિક્ષા જીવતા બોમ્બ સમાન છે. પેસેન્જર વાહન અને વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા માટે ઉપયોગમાં લેવાતી ઓટોરિક્ષાના ફિટનેસની દરવર્ષે ચકાસણી કરવાની હોય છે. ફિટનેસની ચકાસણી બાદ પરમિટ લેવાની હોય છે. આ સાથે જ તમામ ઓટોરિક્ષા સીએનજી હોવાથી સમાયાંતરે કિટનું રિટેસ્ટિંગ કરાવવાનું હોય છે. પરંતુ સુરત આરટીઓના ચોપડે ફિટનેસ અને પરમિટ ધરાવતી ઓટોરિક્ષાના આંકડા પર નજર કરીએ તો ચોંકાવનારી માહિતી સામે આવી છે. ગત ત્રણ વર્ષનાં આંકડા પ્રમાણે શહેરમાં અસ્તિત્વ ધરાવતી ૫૦ હજારથી વધુ ઓટોરિક્ષા પૈકી હજારો ઓટોરિક્ષાના માલિકોએ ફિટનેસની ચકાસણી જ કરાવી નથી. ત્રણ નાણાકીય વર્ષના આંકડા પર નજર કરીએ તો ૨૦૨૩-૨૪માં ૩૫૨૧, ૨૦૨૨-૨૩માં ફક્ત ૧૮૯૭ ઓટોરિક્ષાના ફિટનેસની ચકાસણી થઈ છે. એટલે કે શહેરમાં ફરતી ઓટોરિક્ષા પૈકી ૧૦ ટકા ઓટોરિક્ષાના ચાલકો પણ નીતિ-નિયમોનું પાલન કરતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો ફિટનેસ અને પરમિટ વગર જ શહેરના રસ્તાઓ પર ખુલ્લેઆમ ઓટોરિક્ષા ફરી રહી છે.
ફોર વ્હીલર અને ટુ વ્હીલર ચાલકોને રાંજાડતી શહેર-ટ્રાફિક ઓટોરિક્ષાના ચાલકો સામે કાર્યવાહી કરવા મુહુર્તની રાહ જાેઈ રહી છે. શહેરના અલગ અલગ પોઇન્ટ અને ખૂણે-ખાંચરે ઊભા રહીને હેલમેટ વગરના બાઈકચાલકોને રંજાડી પોતાનો ટાર્ગેટ પૂરી કરતી પોલીસને શહેરના દરેક ચાર રસ્તા પર અડિંગો જમાવીને બેસી રહેતા ઓટોરિક્ષાના ચાલકો દેખાતા નથી. ફિટનેસની ચકાસણી વગરની ઓટોરિક્ષાના ચાલકો સામે પોલીસ અને આરટીઓ ગાંધારીની ભૂમિકામાં જાેવા મળી રહી છે. આરટીઓ પણ માત્ર દેખાડવા માટે અમુક રિક્ષાઓ ડીટેઇન કરે છે.
રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગના નિયમ પ્રમાણે ઓટોરિક્ષામાં ડિજિટલ મીટર લગાડવું ફરજિયાત છે. ડિજિટલ મીટરની સાથે પીળા કલરનું હૂડ પણ ફરજિયાત છે. હવે ઓટોરિક્ષાના ચાલકો ફિટનેસની ચકાસણી કરાવવા આવે છે, ત્યારે તેઓને ૫૦૦ રૂપિયા ભાડે મીટર મળે છે. આરટીઓના અધિકારીઓ ઓટોરિક્ષાનું ઇન્સ્પેક્શન કરે ત્યાં સુધી મીટર લગાડી દેવામાં આવે છે. ત્યાર બાદ તાત્કાલિક કાઢી બીજી ઓટોરિક્ષામાં લગાડી દેવામાં આવે છે. શહેરમાં ફરતી એકપણ ઓટોરિક્ષામાં મીટર જાેવા મળશે નહીં. તેવી જ રીતે પીળા કલરનું હૂડ પણ ૫૦૦થી ૭૦૦ રૂપિયામાં ભાડે મળે છે. શહેરમાં કાળા અને ગ્રીન કલરના હૂડ સાથે ફરતી રિક્ષા સ્પષ્ટ રીતે નજરે પડી રહી છે, આમ છતાં આરટીઓ કે પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાતી નથી.
નવી ઓટોરિક્ષા ખરીદનારા વાહનમાલિકોએ બે વર્ષ પછી દરવર્ષે ઓટોરિક્ષાના ફિટનેસની ચકાસણી કરાવવાની હોય છે. ફિટનેસની ચકાસણી કરાવ્યા બાદ પરમિટ મેળવવી પડે છે. હવે ફિટનેસ અને પરમિટ મેળવવા માટે ઓટોરિક્ષામાં બ્રેકથી માંડીને હેડલાઈટ, મીટર, પીળા કલરનું હૂડ અને સીએનજી કિટ રિટેસ્ટિંગ કરી હોવી ફરજિયાત છે. પરંતુ ફિટનેસની ચકાસણી જ નહીં કરાવાતા હોવાથી આ ઓટોરિક્ષાના ચાલકો તમામ નીતિ-નિયમોને અભરાઈએ ચઢાવી મનસ્વી રીતે કારભાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
ઓટોરિક્ષાના ફિટનેસની ચકાસણી આરટીઓના ઇન્સ્પેક્ટરો દ્વારા કરાતી હતી. પરંતુ ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી મળ્યા બાદ તમામ પ્રકારના વાહનોએ ફિટનેસની ચકાસણી ખાનગી સેન્ટરમાં જ કરાવવી પડે છે. દરમિયાન ઓટોરિક્ષાના ચાલકોએ પણ ખાનગી સેન્ટરોમાં ફિટનેસની ચકાસણી કરાવવી પડે છે. ખાનગી સેન્ટર શરૂ થયા બાદ ઓટોરિક્ષાના ચાલકો ફિટનેસ માટે જતા જ નથી. જેને પગલે આ મામલે હાલ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.