(સિટી ટુડે) અમદાવાદ,તા.૦૬
સર્વ સમાજને ન્યાય મળે તેવી પ્રાર્થના સાથે અમદાવાદના શાહપુરના ૨૦૦ વર્ષ જુના રામજી મંદિરમાં દર્શન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભગવાન પર ભાજપનો ઇજારો હોય એમ વર્તે એ વ્યાજબી નહીં. વિવિધતામાં એકતા આ દેશમાં ધર્મના સિદ્ધાંતોના કારણે આવી છે. મારા દર્શન કરવાથી ભાજપને તકલીફ પણ પડી શકે. ઈન્દિરા ગાંધીનો જ્યારે પરાજય થયો ત્યારે તેમણે અંબાજી મંદિરમાં દર્શન કરી પુનઃ શરૂઆત કરી હતી. રામજી મંદિર માટે ટ્રસ્ટે સરકાર પાસે મદદ માંગી હતી પરંતુ ના કરી. આવતીકાલે મતદાન છે ત્યારે આજે રામજીના દર્શન કર્યા. ભગવાન રામ વેશ પલટો કરી લોકો વચ્ચે જતા હતા. આજે તો મારા ગુજરાતમાં ભાજપ સરકાર જનતાનો અવાજ સાંભળતી નથી, ભગવાન રામ નું નામ લેવા સાથે એમના સિદ્ધાંતોને પણ અનુસરવું જરૂરી છે. મારા વ્હાલા ગુજરાતીઓએ આ ચૂંટણીમાં કોંગ્રેસને અપાર પ્રેમ આપ્યો. અમે આર્થિક રીતે પાછા પડ્યા તો લોકોએ મદદ કરી, ગુજરાતીઓએ પ્રેમથી કોંગ્રેસના ઉમેદવારોને આવકાર્યા છે. સહકાર આપ્યા બાદ આવતીકાલે ગુજરાતીઓ મત પણ આપશે. હું ગુજરાતીઓનો આભાર વ્યક્ત કરવા સાથે મતની પણ અપીલ કરું છું. ભાજપ સરકાર આંદોલનકારીઓ સાથે સંવાદ ના બદલે ડરાવવાનું કામ કરે છે. પાટીદાર, માલધારી, આદિવાસીઓ સાથે સંવાદ ના કરી સરકારે સંઘર્ષ કર્યો. ક્ષત્રિયોના આંદોલનમાં પણ સરકારે અહંકાર દર્શાવ્યો. આ જ વ્યક્તિએ અગાઉ લેઉવા પાટીદાર સમાજ માટે પણ આણછાજતાં શબ્દો બોલ્યા હતા. મારા વડાપ્રધાન દેશની બહેનોની અસ્મિતા અંગે કંઈ જ ના બોલ્યા એનું દુઃખ છે. જનતા જનાર્દન પોતાના ત્રાજવામાં બાબતને મૂલવશે એવો મને વિશ્વાસ છે. સુરતના નિલેશ કુભાણીનુ ફોર્મ રદ થયા બાદ કાયદાકીય લડત લડવા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પુછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, આ લડાઇ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની છે. જે મેટર કોર્ટમાં દાખલ થઇ છે કે થવાની છે તેના વિશે ટીપ્પણી યોગ્ય નથી. પ્રદેશ પ્રમુખ તરીકે આ કેસ વિશે નિવેદન આપું તો કોર્ટમાં મારા જ શબ્દો નો ઉપયોગ થઇ શકે. મેરીટ પર કેસને અંદર પણ નુકસાન થાય એટલે નિવેદન યોગ્ય નથી. જાે ભાજપ પાંચ લાખ મતથી જીતવાની હતી તો શા માટે આ હથકંડા કર્યા ? ટેકેદારોને રાતો રાત સપનું આવ્યું કે સહી અમે નથી કરી. અપક્ષ અને બસપાના ઉમેદવાર સાથેની પોલીસની ભુમિકા આપણી સામે છે. સુપ્રીમ કોર્ટે નોટા રહેવા દેવા માટે કહ્યું હતુ. ભાજપને ડર હતો કે નોટાને ભાજપ કરતાં વધારે મત મળશે. સુરતના મતદારોને મતાધિકાર થી વંચિત કરવાનું પાપ કરેલુ તે ભાજપે ભોગવવું પડશે.
ઐતહાસિક-પૌરાણીક રામજી મંદિરના દર્શન પ્રસંગે કોંગ્રેસ પક્ષના અમદાવાદ પૂર્વના ઉમેદવાર હિંમતસિંહ પટેલ, અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને રામજી મંદીરના ટ્રસ્ટી પંકજભાઈ શાહ, કાઉન્સીલર નિરવ બક્ષી, માધુરીબેન કલાપી, પૂર્વ કાઉન્સીલર મોનાબેન પ્રજાપતિ સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.