- ડીંડોલી મહાદેવનગર નજીક રેલવે પાટા ઉપર બે મિત્રો ઉપર ૫ યુવકોએ જીવલેણ હુમલો કર્યો હતો : પોલીસ આરોપીઓની હાજરી ઘટના સ્થળે બતાવી શકી નહિ
(સિટી ટુડે) સુરત,તા.૦૩
કોરોનામાં લોકડાઉન સમયે ડીંડોલી મહાદેવ નગર ખાતે થયેલા ચકચારીત મર્ડર અને હાફ મર્ડર કેસમાં ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ જતા સુરત કોટે પાંચ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા. વર્ષ ૨૦૨૦ કોરોનાકાળ દરમિયાન લોકડાઉનના સમયે ડીંડોલી મહાદેવ નગર સોસાયટીમાં લોકો માટે સ્થાનિક છોકરાઓ દ્વારા સામૂહિક જમવાનું ભોજન બનાવવામાં આવતું હતું. તે સમયે સોસાયટીને અડીને આવેલા રેલ્વે પાટા ઉપરથી કેટલાક છોકરાઓ પોલીસ આવે ત્યારે સોસાયટીમાં દોડી આવતા હતા. જેથી સોસાયટીના સ્થાનિકોએ રેલવે પાટા ઉપરથી દોડીને સોસાયટીમાં આવતા છોકરાઓને સમજાવ્યા હતા. જોકે રેલવે પાટા ઉપર બેસતા બદમાશ છોકરાઓએ આ વાતની અદાવત રાખી હતી. દરમિયાન ૨૭.૪.૨૦ના રોજ બન્યું એવું હતું કે સોસાયટીના લોકો માટે જમવાનું બનાવિને રાજા ગાયકવાડ અને રાહુલ કિશન પાટીલ તેમજ ધીરજ સૈની રેલવે પાટા ઉપર પેશાબ કરવા ગયા હતા. ત્યારે અગાઉની વાતને અદાવત રાખી રેલ્વે પાટા ઉપર બેસતા બદમાશ છોકરાઓએ રાજા અને રાહુલ ઉપર તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં રાહુલ પાટીલનું મોત થયું હતું. જ્યારે રાજાને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ડીંડોલી પોલીસે અજય ઉર્ફ જેકિયા ગુલાબ ખરે, સાહિલ ઉર્ફે સોબીદ ઉર્ફે ઝંડુ બામ રાજવંશીંગ ઠાકોર, રાહુલ ગોલ્ડન વિજય શિરસાઠ, સમાધાન ઉર્ફે સોમ્યા વિલાસ પાટીલ અને સાગર ઉર્ફે કાણિયા છગન લોંડેની સામે હત્યા તેમ જ હત્યાની કોશિશ સહિતના ગુનાઓ નોંધી તેમની ધરપકડ કરી હતી. આ કેસની ઇન્સાફી કાર્યવાહી સુરત કોર્ટમાં ચાલી હતી. આરોપી રાહુલ ગોલ્ડન તરફે વકીલ રહીમ શેખ હાજર રહ્યા હતા. તમામ આરોપીઓના વકીલ તરફે દલીલો થઈ હતી કે આ કેસમાં અન્ય શાહેદો સરકારી છે કે જેઓ દ્વારા રજુ પુરાવાને સ્વતંત્ર સાહેદોના પુરાવાથી સમર્થન મળવું જરૂરી છે. જોકે સમર્થન મળ્યું નથી. વધુમાં ડીડી નોંધનાર અધિકારી દ્વારા ડીડી નોંધવા અંગેના સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત સિદ્ધાંતોનું પાલન કર્યું નથી. આરોપીઓને ગુના સાથે સાંકળે તેવો કોઈ સીધો અને પ્રત્યક્ષ પુરાવો રજૂ કરવામાં ફરિયાદ પક્ષ સદંતર નિષ્ફળ ગયો છે. કોર્ટે બંને પક્ષની દલીલો અને રેકર્ડ પરના પુરાવા ધ્યાને લઈ તમામ ગુનાઓમાં તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા હતા