સુરત, તા.૦૩
રાજ્યનાં વિવિધ શહેરોમાં ચાલતી પ્રી-સ્કૂલને લઈ રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતાં એના વિરોધમાં પ્રી-સ્કૂલના સંચાલકો હડતાળ પર ઊતર્યા છે. આજે રાજ્યમાં અંદાજે ૪૦ હજાર જેટલી પ્રી-સ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. પ્રી-સ્કૂલેને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે એમાં પ્રી-સ્કૂલ ચલાવવા માટે સંચાલક પાસે સ્થળ પરનું બીયુ પરમિશન અને ૧૫ વર્ષની રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે. એ શક્ય ન હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે અને નિયમો હળવા કરવાની માગ કરી રહ્યા છે.
રાજ્યની મોટા ભાગની પ્રી-સ્કૂલ મહિલા સંચાલિત છે. ત્યારે મહિલાઓએ પણ આ નિયમોના કારણે પ્રી-સ્કૂલ બંધ થઈ જશે તો પોતાની રોજગારી છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી છે. પ્રિ-સ્કૂલ સંચાલકોના એસોસિએશનના ઝોન કન્વીનરોએ બપોર બાદ ગાંધીનગર પણ રજૂઆત માટે પહોંચ્યા હતા.
ગુજરાતની હજારો પ્રી-પ્રાઇમરી સ્કૂલ બંધ છે, જેમાં સુરતની અંદાજે ૨૦૦૦ શાળાનો સમાવેશ થાય છે. સરકારે લાગુ કરેલા કડક નિયમોના કારણે, જ્યાં રોજ પ્રી-પ્રાઇમરી શાળાઓમાં બાળકોની રમત-ગમત જાેવા મળતી હતી ત્યાં આજે એકદમ શાંતિ જાેવા મળી. શાળાઓ ખાલી પડી હતી અને બાળકો આજે શાળામાં આવ્યાં નહોતાં.
આવી પરિસ્થિતિ આગામી દિવસોમાં પણ બને એવી શક્યતા છે, એમ સુરતના પ્રી-પ્રાઇમરી સ્કૂલના સંચાલકોનું કહેવું છે. પ્રી-સ્કૂલના સંચાલક હરેનકુમાર ગાંધી કહે છે કે “અમે સરકારના બધા નિયમો અનુસરવા તૈયાર છીએ, પરંતુ કેટલાક નિયમો એવા છે જે વાસ્તવિક રીતે પાલન કરવાનું મુશ્કેલ છે. કોઈ સંચાલકને ૧૫ વર્ષ માટે સંપત્તિ ભાડે આપવા તૈયાર થશે?, બીયુ સર્ટિફિકેટ ક્યાંથી લાવવું?, આ ઉપરાંત અન્ય નિયમોનું તો અમે પાલન કરી રહ્યા છીએ. તેમણે આગળ કહ્યું કે “શું સરકાર આ બધા નિયમો લાગુ કરીને ૨ લાખ લોકોના ભવિષ્યને જાેખમમાં મૂકવા તૈયાર છે?, જાે આટલી બધી પ્રી-પ્રાઇમરી સ્કૂલ બંધ થઈ જશે તો આ બાળકોનો પ્રવેશ કયાં સ્થળે મળશે?” પ્રી-પ્રાઇમરી સ્કૂલનાં સંચાલિકા નેહા બેને જણાવ્યું હતું કે હું સુરતમાં ઇન્ડિપેન્ડન્ટ પ્રી-સ્કૂલ ચલાવું છું. જાે આ નિયમ બદલવામાં નહીં આવે તો ઘણી બધી મહિલાઓ પર સીધી અસર પડશે. શાળા ચલાવનાર, કામ કરનાર, શિક્ષિકા અને આયા સુધી મહિલાઓ હોય છે. આ બધાની રોજગારી છીનવાઈ જશે. આપણે જ્યારે આર્ત્મનિભરની વાત કરીએ અત્યારે જે આર્ત્મનિભર મહિલાઓ છે આ નિયમના કારણે ડિપેન્ડેન્ટ થઈ જશે.
રાજ્ય સરકાર દ્વારા પ્રી-સ્કૂલ ચલાવવા માટે તમામ પ્રી-સ્કૂલ સંચાલક પાસે સ્થળ પરનું બીયુ પરમિશન ૧૫ વર્ષનું રજિસ્ટર્ડ લીઝ અગ્રીમેન્ટ વગેરે ફરજિયાતપણે હોવું જરૂરી છે, એની સામે ગુજરાત પ્રી-સ્કૂલ એસોસિયેશન દ્વારા ૧૫ વર્ષનું લીઝ એગ્રીમેન્ટ હોવું એ શક્ય નથી, કારણ કે પ્રી-સ્કૂલ એ ખૂબ જ નાનો એકમ છે અને એ માટે ૧૫ વર્ષ માટે કોઈપણ આપી શકે એમ નથી, કારણ કે મોટા ભાગની પ્રી-સ્કૂલ નાના ઘરમાં અથવા તો બંગલોમાં ચાલતી હોય છે, તેથી ૧૧ મહિનાના ભાડા કરાર થઈ શકે, પરંતુ ૧૫ વર્ષ માટે લીઝ એગ્રીમેન્ટ મળી શકે એમ નથી.