મહારાષ્ટ્ર,તા.૪
લાંબા સમયની ચર્ચાઓ અને અટકળો બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. એવા અહેવાલો છે કે બુધવારે મળેલી સમિતિની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા છે. ગુરુવારે શપથ ગ્રહણ સમારોહ યોજાય તેવી શક્યતાઓ છે. ખાસ વાત એ છે કે ૨૦૨૪ની ચૂંટણી દરમિયાન વર્ષ ૨૦૧૯ની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં ફડણવીસ કહી રહ્યા હતા કે તેઓ ‘સમુદ્ર’ છે અને ‘પાછા આવશે.’
ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાં કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવેલા વિજય રૂપાણીએ પહેલા જ ફડણવીસના નામનો સંકેત આપી દીધો હતો. રૂપાણીએ સોમવારે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે મહારાષ્ટ્રને આ વખતે બીજેપીના મુખ્યમંત્રી મળશે કારણ કે (આઉટગોઇંગ મુખ્યમંત્રી) એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાર્ટીના ઉમેદવાર (ટોચના પદ માટે)ને સમર્થન આપશે.’ રૂપાણીની સાથે ભાજપે કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણને પણ જવાબદારી સોંપી હતી. એક દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું હતું કે, ‘મને લાગે છે કે આવતીકાલે યોજાનારી બેઠકમાં ભાજપના નિરીક્ષકો તમામ ધારાસભ્યોને સાંભળશે અને આવતીકાલે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરવામાં આવશે. એકનાથ શિંદેને કોઈ સમસ્યા નથી, તેઓ પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેઓ સીએમ પદની રેસમાં નથી.તેમણે વધુમાં કહ્યું કે, ‘ભાજપ હાઈકમાન્ડે તેમને પહેલેથી જ કહી દીધું છે કે તેઓ સીએમ નહીં બને. તેમની પાસે મહાયુતિના અધ્યક્ષ બનવા અથવા કેન્દ્રીય મંત્રી બનવાનો વિકલ્પ છે, પરંતુ તેઓ તેના માટે તૈયાર નથી. તે ખૂબ જ નર્વસ છેપ’
જૂન-જુલાઈ ૨૦૨૨માં શિવસેના તૂટ્યા બાદ ભાજપે શિંદેની મદદથી સરકાર બનાવી હતી. તે પછી, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારના પતન પછી, ભાજપે ૧૦૦ થી વધુ ધારાસભ્યો હોવા છતાં શિંદેને સીએમ પદ પર બનાવ્યા હતા. હવે, ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની બમ્પર જીત બાદ, શિંદેને રાજ્યનું ટોચનું પદ સોંપવામાં આવશે તે અંગે ફરી ચર્ચાઓ શરૂ થઈ છે.