- નાયબ કલેક્ટરે મુળ સુધી જવા ખાત્રી આપી,સરકારી રેકર્ડ સાથે ચેડાં કરીને આરીફ દાદા અને કુટુંબીજનો ખેડૂત બની બેઠાં
(સિટી ટુડે) સુરત. તા. ૦૫
ખેડૂત બનવા માટે સરકારી રેકર્ડ સાથે ચેડાં કરવાના કૌભાંડમાં સપડાયેલા ધોરાજી મેમણ સમાજના અગ્રણી બિલ્ડર સામે સખત કાર્યાવાહી કરવાના નાયબ કલેક્ટરે સંકેત આપ્યા છે. સુરતના ચોર્યાસી તાલુકાસ્થિત પોપડા ગામે બ્લોક નં.૨૩૯ વાળી ખેતીલાયક જમીનનો વર્ષ ૨૦૧૧માં સોદો કર્યા બાદ ખેડૂત ખરાઈના દાખલા માટે દાદા પરિવારના વંશજાેએ તડકેશ્વર (તા.માંડવી, સુરત)ની સ.નં. ૬૪૪-૧, બ્લોક નં. ૮૮૮ વાળી જમીનના સરકારી ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. જેને આધારે પોપડાની જમીનમાં દાદા કુટુંબના નામો ખેડૂત ખાતેદાર તરીકે દર્જ થયા હતા અને ખેતીલાયક જમીન કુટુંબના નામે થઈ હતી. આ મામલામાં જુના રેકર્ડ ચકાસવામાં આવ્યા ત્યારે ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે તડકેશ્વરવાળી જમીનના મુળ માલિક એવા ઈબ્રાહિમ ઈસ્માઈલ મેતર તેમજ ફાતેમા મેતરના નામે ચાલી આવેલી ખેતીલાયક જમીનમાં દાદા કુટુંબે ખોટી રીતે હાથથી એન્ટ્રી પડાવ્યા બાદ ખેડૂત ખાતેદાર બનવા ગુનાહિત કૃત્ય આચર્યું હતું તેમજ સરકારી રેકર્ડ સાથે ચેડાં કરીને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનવાનું પાપ કર્યું હતું. આ મામલાની તપાસ કરતાં સોશિયલ એક્ટિવિસ્ટ શાકિર શેખ ઉર્ફે મસ્તાને ૬૦-૭૦ વર્ષ જુના રેકર્ડની ચકાસણી કરી છે જેમાં બનાવટી અક્ષરથી સત્તાર હાજી હાસિમનું નામ ચઢાવ્યા બાદ વારસાઈને આધારે દાદા કુટુંબના નામો ખેડૂતને આધારે ચઢાવી દીધા હતા. આ મામલામાં ગુજરાતના મુખ્યમંત્રી તેમજ સુરતના કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. અને જવાબદારો સામે કાર્યવાહી કરીને પોપડાની જમીન સરકાર હસ્તક દાખલ કરવા પણ માંગ કરી હતી. આ પ્રકરણમાં નાયબ કલેક્ટરે (જમીન સુધારણા) સખત કાર્યવાહીના સંકેત આપતા જણાવ્યું હતું કે, સરકારી રેકર્ડ સાથે ચેડાં કરનાર કોઈપણ ચમરબંધને છોડવામાં નહી આવે. આ મામલામાં ઉપરી અધિકારીઓ તરફથી પણ સૂચના મળી છે જેનો તબક્કાવાર અમલીકરણ કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
- મેમણ સમાજમાં ઉગ્ર રોષ
ખેડૂત બનવા માટે સરકારી રેકર્ડ સાથે ચેડાં કરવાના ચકચારીત પ્રકરણમાં દાદા ફેમિલીની સંડોવણી બહાર આવ્યા બાદ મેમણ સમાજમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે અને દાદા ફેમિલીનો સામાજિક બહિષ્કાર થાય તે માટેની અંદરખાને તૈયારી શરૂ થઈ ચુકી છે. સામાન્ય રીતે ઘરે જતાં સમાજના લોકો સાથે સાવકો વ્યવહાર કરવામાં આવતો હોવાની ઢગલેબંધ ફરિયાદ વચ્ચે દાદા ફેમિલીનો દાવ લેવા આખો સમાજ તૈયાર છે. કંજુસી કરવામાં સુરતના ટોપમોસ્ટ લિસ્ટમાં આવતા દાદા કુટુંબના મોભી આરીફ દાદા અને તેના પુત્રના મેનેજમેન્ટને કારણે શૈક્ષણિક તેમજ સ્વાસ્થ્ય સંસ્થાના કર્મચારીઓ પણ ત્રાસી ગયા છે. તેમના અડીયલ સ્વભાવને કારણે સંસ્થાઓમાં કોઈ કર્મચારી પણ લાંબા સમય સુધી ટકતો નથી એવી સામાજિક છબિ ઉભી થઈ છે. આગામી દિવસોમાં દાદા કુટુંબ સામે મોટાપાયે વિરોધ થાય તેવી સંભાવના નકારી શકાતી નથી.