સુરત,તા.૧૦
સુરત શહેરમાં શરમજનક ઘટના બની છે. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને સુરતમાં કાયદા અને વ્યવસ્થાનો ખૌફ ઉડી ગયો હોય તેવો વધુ એક પુરાવો મળ્યો છે. સુરતમાં મહિલા ગરિમા સાથે સરેઆમ ખિલવાડ થતા દ્રશ્યો જાેવા મળી રહ્યાં છે. જાે તમે કોઈ દીકરીના પિતા છો તો આ તસવીરો તમને વિચારવા મજબૂર કરી દેશે કે, શું ગુજરાતમાં દીકરીઓ સલામત નથી. સુરતમાં યુવતીઓની સરેઆમ છેડતીનો કિસ્સો બન્યો છે. દીકરીઓની ખુલ્લેઆમ છેડતીનો વીડિયો વાયરલ થયો છે.સોસાયટીમાંથી જતી દીકરીઓની ખુલ્લેઆમ છેડતી કરાઈ છે. સુરત પોલીસની આબરૂના ધજાગરા કરતા આ વીડિયો ફૂટેજ છે.
જે સવાલો કરે છે કે શું અસામાજિક તત્વોને નથી પોલીસનો ડર? કેમ પોલીસથી નથી ડરતા ગુનેગારો? સુરતમાં ગુનાઓ થવા કેમ સામાન્ય બાબત બની? સુરતમાં રસ્તાઓ ઉપર ખુલ્લેઆમ લુખ્ખા તત્વો ફરી રહ્યાં છે. છોકરીઓની છેડતી કરે છે. સુરતના અંજના સ્થિત અમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં રસ્તે ચાલતી યુવતીઓને એક અસામાજિક તત્વોએ છેડતી કરી હતી. તો આ સ્થળના માત્ર ૫ ફૂટના અંતરે છેડતીનો બીજાે બનાવ બન્યો હતો. જ્યાં મોપેડ પર ઉભેલી યુવતીની પણ છેડતી કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અમન સોસાયટીના પ્રમુખ દ્વારા ઉધના પોલીસ સ્ટેશનને લેખિતમાં અરજી પણ આપવામાં આવી છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે