(સિટી ટુડે) સુરત,તા.૧૦
કઠોરતાનો પર્યાય પોલીસને માનવામાં આવે છે. જાે કે, આ છાપ સુરતની વરાછા પોલીસને લાગુ ન પડતી હોય તે રીતે એક માનસિક દિવ્યાંગ વૃધ્ધાની વ્હારે આવ્યાં હતાં. રિક્ષામાં ઉતર્યા બાદ રસ્તા પર પડી ગયેલા વૃદ્ધાને સ્વસ્થ થયા બાદ ડાયરી અને જે તે બોલતાં તેના આધારે પીસીઆર વાનમાં બેસાડીને લઈ જવામાં આવ્યાં હતાં. જેથી હાજર સૌ કોઈએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી.
જૂના શહેરમાંથી વૃધ્ધા રિક્ષામાં બેસીને મોહનની ચાલ તરફ જવા માટે નીકળ્યા હતાં. જાે કે, રિક્ષા ચાલકે તેમને વરાછા પોલીસ સ્ટેશન નજીક ઉતારી દીધા હતાં. માનસિક રીતે દિવ્યાંગ એવા વૃધ્ધા સમજી નહોતા શકતા તે ક્યાં છે. આ દરમિયાન અચાનક તેમને ચક્કર આવી ગયા હતાં. જેથી રસ્તા પર જ પડી ગયા હતાં. આ દરમિયાન લોકો આસપાસથી દોડી આવ્યા હતાં. જાે કે, તેમની પૂછપરછ કરવાની કે તેમને ક્યાં જવું તે લઈ જવાની કોઈ હિંમત દાખવતું નહોતું. વૃધ્ધા રસ્તા પર પડ્યા હોવાનું દેખાતા જ વરાછા પોલીસની પીસીઆર થોભી ગઈ હતી. તેમણે વૃધ્ધાની પૂછપરછ કરી હતી. પીસીઆર વાનમાં મહિલા કોન્સ્ટેબલ હોવાથી તેમણે એક દીકરીની જેમ પૂછપરછ કરતાં વૃધ્ધાએ મોહનની ચાલમાં જવું છે. એટલું જ બોલી શક્યા હતાં. આથી પોલીસની પીસીઆર વાન તેમને લઈને ત્યાં જવા નીકળી હતી. વૃધ્ધાને પોસ્ટ ઓફિસ જવું હતું. તેમની પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી. પોલીસે તેમને પહોંચાડ્યા હોવાથી વૃધ્ધાએ આશિર્વાદ આપતાં આભારની લાગણી વ્યક્ત કરી હતી.