ગાંધીનગર, તા.૧૦
ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ રાજ્યભરમાંથી ૨૫ આંગડિયા પેઢી પર ઇન્કમટેક્સ વિભાગની ટીમોને સાથે રાખીને દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મની લોન્ડરિંગ, હવાલાના પૈસા સહિતના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારોને ધ્યાને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. સીઆઇડી ક્રાઈમના ૪૦ કર્મીઓ દરોડાની કામગીરીમાં જાેડાયા છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં રૂ.૧૨.૫ કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે અને ખૂબ મોટી માત્રામાં નક્કર સોનું પણ હાથ લાગ્યું છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઈમના સીઆઇ સેલ વિભાગમાં થોડા દિવસ અગાઉ આંગડિયા પેઢીનો ડુપ્લિકેટ એકાઉન્ટનો કેસ દાખલ કરાયો હતો. જેમાં કેટલાક શંકાસ્પદની પૂછપરછમાં બેનામી નાણાંકીય લેવડદેવડની આખી ચેઈન સીઆઇડી ક્રાઈમ ગાંધીનગરના ઇન્ચાર્જ આઈ.જી. ચૈતન્ય મંડલીકના ધ્યાને આવતા વધુ તપાસ કરતાં રાજ્યની ૨૫ આંગડિયા પેઢીના નામે સામે આવ્યા હતા. જેમાં ચોક્કસ આંગડિયા પેઢી મારફતે દુબઈમાં હવાલા પાડવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું. ત્યારબાદ ઇન્કમટેક્સ વિભાગને સાથે રાખીને ૨૫ આંગડિયા પેઢી પર એકસાથે દરોડા પાડ્યા હતા. અત્યાર સુધીમાં અમદાવાદમાંથી રૂ. ૧૨.૫ કરોડના બેનામી વ્યવહાર હવાલા મારફતે દુબઈ જેવા દેશોમાં કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. દુબઈમાં જે રૂપિયા મોકલાયા છે તે તમામ ક્રિકેટના સટ્ટા બેટિંગમાં ઉપયોગમાં લેવાયા હોવાનું અનુમાન છે. આ સાથે જ ઘણી આંગડિયા પેઢીઓમાંથી વિદેશી કરન્સી પણ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે.
દિવસો સુધી દરોડા જારી રહેવાની સંભાવના છે. રાજ્યની ચોક્કસ આંગડિયા પેઢી મારફતે દુબઈમાં સટ્ટાબેટિંગ માટે રૂપિયા મોકલવામાં આવતા હોવાની વાતને પણ નકારી શકાય તેમ નથી. આ બાબતોને ધ્યાને લઈને સીઆઇડી ક્રાઈમ સીઆઇ સેલે દરોડાની કામગીરી હાથ ધરી છે.
ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ અને સુરતની આંગડિયા પેઢીઓ પર દરોડા પાડીને બેનામી વ્યવહારોની વિગતો શોધી કાઢવામાં આવી છે તપાસ દરમિયાન ૧૨.૫ કરોડ રૂપિયા રોકડા અને એક કિલો સોનું મળી આવતા પોલીસ દ્વારા ઇન્કમટેક્સના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી તરત જ ઇન્કમટેક્સની ટીમ આ તપાસમાં જાેડાઈને રોકડ રૂપિયા અને સોનાની તપાસ શરૂ કરી છે સાથે સાથે પ્રાથમિક તપાસમાં જ ૨૦૦ કરોડ રૂપિયાના હવાલા છેલ્લા ત્રણ મહિના દરમિયાન પડ્યા હોવાની વિગતો ઇન્કમટેક્સને મળી છે.