કર્ણાટક,તા.૨૮
કર્ણાટકમાં, બદમાશોએ ડૉક્ટરનું અપહરણ કર્યું અને પછી તેના ભાઈને બોલાવીને ૬ કરોડ રૂપિયાની ખંડણી માંગી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી અને પોલીસ સક્રિય થઈ ગઈ હતી. આ ઘટનાના લગભગ ૧૪ કલાક પછી અપહરણકારોએ ડોક્ટરને છોડી દીધો અને બસના ભાડાના ૩૦૦ રૂપિયા પણ આપ્યા. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
આ ઘટના બેલ્લારી જિલ્લામાં બની હતી, જ્યાં ૪૫ વર્ષીય ડૉક્ટર સુનિલ શનિવારે સવારે ૬ વાગ્યે સૂર્યનારાયણપેટમાં શનેશ્વર મંદિર પાસે મોર્નિંગ વૉક કરી રહ્યા હતા. આ દરમિયાન ટાટા ઈન્ડિગોમાંથી બદમાશો આવ્યા અને ડોક્ટરને બળજબરીથી કારમાં બેસાડ્યા. ત્યારબાદ બદમાશો તેમની કારને તેજ ગતિએ ભગાડી ગયા હતા. અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ડો.સુનીલ બેલ્લારી જિલ્લા હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત તરીકે કાર્યરત છે. અપહરણ બાદ બદમાશોએ તેના ભાઈ વેણુગોપાલ ગુપ્તાને વોટ્સએપ પર ફોન કર્યો અને ડોક્ટરને છોડાવવાના બદલામાં ૬ કરોડ રૂપિયાની માંગણી કરી. અપહરણકર્તાઓએ જણાવ્યું હતું કે ૬ કરોડ રૂપિયામાંથી અડધી રકમ રોકડ અને બાકીની અડધી સોનાની હતી.
ડોક્ટરના ભાઈ વેણુગોપાલ ગુપ્તા જિલ્લા દારૂ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ છે. તેણે ડોક્ટરના અપહરણ અને ખંડણી અંગે પોલીસને જાણ કરી હતી. જેના પર પોલીસે સર્ચ ઓપરેશન તેજ કરી તમામ માર્ગો બંધ કરી દીધા હતા. આ પછી બદમાશોએ ડોક્ટરને મોડી રાત્રે ર્નિજન જગ્યાએ છોડી દીધા અને બસમાં ઘરે જવા માટે ૩૦૦ રૂપિયા પણ આપ્યા.
આ બાબત અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ડૉ.સુનીલ આઘાતમાં છે. બદમાશોને પકડવા માટે પોલીસ સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસ ડોક્ટર પાસેથી બદમાશો વિશે માહિતી એકઠી કરી રહી છે. ડોક્ટરનો ભાઈ દારૂનો ધંધો કરે છે, તેથી અપહરણ પાછળ કોઈ ધંધાકીય અણબનાવ છે કે કેમ તેની તપાસ આ એંગલથી ચાલી રહી છે.
