અમદાવાદ, તા.૧૩
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ હતી. સુરત બેઠક અગાઉ જ બીનહરીફ થઇ હતી પરિણામે ૨૫ બેઠકો પર મતદાન વધારવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છતાં ૨૦૧૯ની સરખામણીએ ટકાવારી ઘટી હતી. આ સ્થિતિ જાેતા ભાજપે હવે બેઠક વાઈઝ વિશ્લેષણ શરૂ કર્યુ છે પણ આઈબીના રિપોર્ટ માં એવુ બહાર આવ્યું છેકે, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગર બેઠક ભાજપે ગુમાવવી પડે તો નવાઈ નહિ. જાેકે, ભાજપ નો દાવો છેકે, આ વખતે પણ ભાજપ હેટ્રિક કરશે.
માહિતગાર સુત્રોની વાત માનવામાં આવે તો, આઇબીના રીપોર્ટમાં જણાવાયું છે કે, પાટણ અને જામનગરની બેઠકો ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે.
આ રીપોર્ટના પગલે ભાજપની ઊંઘ ઉડી ગઈ છે. સાથે નેતાગીરી દ્વારા જાેખમી બેઠકોના મતદાનના આંકડાઓની ચકાસણી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ તરફી બેઠકો કેટલું મતદાન થયું તેની ગણતરી શરૂ કરાઈ છે. ક્ષત્રિય આંદોલનને કારણે ભાજપના ઉમેદવારોની સરસાઇને વત્તા ઓછા પ્રમાણમાં અસર થવાની ગણતરી રાખવામાં આવતી જ હતી.
ક્ષત્રિય આંદોલનની મુખ્ય અસર જામનગર, ભાવનગર જેવી અમુક બેઠકો પુરતી મર્યાદિત રહેવાની મનાતુ હતું. પરંતુ આઇબી રીપોર્ટમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના કારણે આ બેઠકોમાં શું અસર થઇ છે. તેનું વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે.
ઓછા મતદાન માટે આકરા તાપ, હિટવેવની સ્થિતિને કારણરૂપ ગણવામાં આવી હતી. તે સિવાય પણ ઓછા મતદાન માટે અન્ય કોઇ કારણ હતું કે કેમ તે પણ ચકાસવામાં આવ્યું જ છે.
અત્રે નોંધનીય છે રાજકીય સટ્ટાબજારમાં બુકીઓ અમરેલી અને બનાસકાંઠાની સીટ ભાજપ માટે જીતવી મુશ્કેલ હોવાનું ગણાવી રહ્યા છે. આઇબીના રીપોર્ટમાં જે ચાર બેઠકોનો ઉલ્લેખ છે તેમાં બનાસકાંઠા બેઠક આવી જાય છે. આ સંજાેગોમાં આઇબી અને સટ્ટાબજારનું ગણિત બનાસકાંઠાની બેઠક માટે સમાન રહ્યું છે તે સુચક છે.
ગુજરાતમાં ૨૦૧૪ અને ૨૦૧૯ એમ બંને લોકસભા ચુંટણીમાં ભાજપે તમામ ૨૬ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે પણ તમામ બેઠકો જીતીને વિજયની હેટ્રીક સર્જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
સાથોસાથ પાંચ લાખ કરતા વધુની લીડ મેળવવાનો પણ ભાજપનો ટાર્ગેટ હતો જાેકે ચૂંટણી પૂર્વે જ આંદોલન સહિતના મુદ્દાઓને કારણે વાતાવરણ ડહોળાઇ જતા ટાર્ગેટ મુજબની લીડ મળવા વિશે આશંકા ઉભી થઈ છે.