અમદાવાદ, તા.૧૩
એક તરફ,ભાજપની છાવણીમાં બધીય ૨૬ બેઠકો ત્રીજી વખત જીતવાનો વિશ્વાસ છે, પરંતુ જાે રખે ને,એકાદ-બે બેઠકનું નુકસાન થશે તો હારનું ઠીકરું કોના શિરે ફોડવું તે સવાલ ઉભો થયો છે. પણ હાલ જે રીતે રાદડિયા કહો કે, નારણ કાછડીયા.. એક પછી એક નેતાઓ ખુલી નેબહાર આવી રહ્યાં છે તે જાેતા એક વાત નક્કી છેકે, ચૂંટણી પરિણામ બાદ જાે કંઈક આડું અવળું પરિણામ આવ્યું તો પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રૂપાલા પૈકી કોના માથે ઠીકરુ ફોડવું એ અત્યાર થી અસંતુષ્ટ નક્કી કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ તમામ ૨૬ બેઠકો જીતી ને હેટ્રિક કરશે?. સાથે સાથે પેટા ચૂંટણીમાં ય ભાજપ પાંચે બેઠકો જીતશે કે નહીં તેની રાજકીય ગલિયારી માં ચર્ચા શરૂ થઇ છે. ગુજરાતમાં ચૂંટણી પુરી થતાં જ મંત્રી થી માંડી ભાજપના અનેક નેતાઓને અન્ય રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં ફરજ સોંપી દેવામાં આવી છે, પરંતુ આ વખતે ગુજરાત માં કંઈક નવાજુની ના એંધાણ મળી રહ્યા છે. અત્યારે તો હાલ ઇફ્કોની ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના આગેવાનો દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાએ એક થઇને ભાજપના સત્તાવાર મેન્ડેટ આપેલા બિપીન પટેલને હરાવી દીધા તે મુદ્દે પરિણામ પછી ભાજપ સંગઠન કોઇ પગલાં લઇ શકશે કે નહીં તે મુદ્દો ગરમગરમ છે. જાે ભાજપ જયેશ રાદડિયા સામે પગલાં લેવા જાય તો સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રમાં ઉથલપાથલ થઇ શકે છે. જાે પગલાં નહીં લે તો પણ ભાજપ સંગઠને આપેલા મેન્ડેટ સામે બળવો પોકારી શકાય છે અને સંગઠન કંઇ કરી શકતું નથી તે છાપ ઉભી થશે. આ ઉપરાંત હવે અન્ય નેતાઓ પણ ખુલી ને બળવો કરતા નહિ ડરે.
આ તરફ, જાે ભાજપ ૨૬ બેઠક જીતે તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું કદ વધુ ઊંચું થશે.જાે ભાજપ કેન્દ્રમાં ફરી સત્તા પર આવે તો કેન્દ્રના મંત્રીમંડળ કે સંગઠનમાં મહત્ત્વના પદના નિશ્વિત દાવેદાર છે પણ ખુદ ભાજપ ના ધારાસભ્ય અને નેતાઓ જ આ ઇચ્છતા નથી. તેઓ માને છેકે, જાે બે ચાર બેઠક ઓછી થાય તો પાટીલ નું રાજકીય કદ ઘટે.
સૂત્રો ના મતે, હાલ કેટલાક મંત્રીઓની નબળી કામગીરી મુદ્દે ભાજપના ધારાસભ્યોમાં પણ ગણગણાટ છે. આ જાેતા આગામી દિવસો માં કેબિનેટ અને રાજ્ય કક્ષાના કેટલાક મંત્રીઓ પડતા મૂકાઇ શકે છે. તે ઉપરાંત પરશોત્તમ રૂપાલા પ્રકરણમાં ભાજપના સંગઠનના કોઇ અગ્રણીની સંડોવણી છે કે નહીં તે બાબતે પક્ષ કેટલી તપાસ કરી શકે છે. સંગઠન માં મોટા ફેરફાર નક્કી છે પણ આ બધુંય પરિણામના આધારે રહેશે.