અમદાવાદ, તા.૧૪
ઇફકો જેવી રાષ્ટ્ર્રીય કક્ષાની સહકારી સંસ્થાઓમાં મેન્ડેટની જરૂર નથી. ઇફકોની ચૂંટણી માં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતા હારી ગયા અને બળવાખોર જયેશ રાદડિયા ચૂંટાઈ ગયા તે બાબતને લઈને ભાજપમાં આંતરિક રાજકારણમાં ભારે ધમાસાણ મચી ગયું છે.
માત્ર સંઘાણી જ નહીં પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક સહકારી આગેવાનો સી આર પાટીલની મેન્ડેટ સિસ્ટમ સામે પહેલેથી જ નારાજ હતા. હવે આ નેતાઓએ ધીમે ધીમે મેનડેટ પ્રથા સામે બોલવાનું શરૂ કર્યુ છે. આમાં ખરેખર લડાઈ મેન્ડેટના મામલે છે કે ‘કહી પે નિગાહે, કહી પે નિશાના’ જેવું છે ? રાજકારણી માની રહ્યા છેકે, પાટીલ સામે પાટીદાર નેતાઓ એ મોરચો માંડ્યો છે. આગામી દિવસોમાં ભાજપના આંતરિક રાજકારણમાં ભડકો થાય તેવા એંધાણ મળી રહ્યા છે.
સંઘાણી એ ઇફકો ના ચેરમેન તરીકેની જીત પછી શકિત પ્રદર્શન યોજયું હતું. આ સંમેલનમાં સહકારી ક્ષેત્રના આગેવાનો એ ગૃહમંત્રી અમિત શાહના ખાસ બિપિન પટેલને ઇફ્કોની ચૂંટણીમાં ઘરભેગા કરનારા જયેશ રાદડિયાની વાહ વાહી થઇ હતી. એટલું જ નહિ, આર.સી.ફળદુએ સ્ટેજ પરથી એવુ કહ્યું કે, રાદડિયા એ તો વટ પાડી દીધો. આમ કહી ફળદુ એ અમિત શાહના નજીકના નેતાની હારની ઉજવણીનો આનંદ માણ્યો હતો.
વાત આટલે અટકી ન હતી, આ અગાઉ સંઘાણીએ પાટીલના ઇલુ ઇલુવાળા નિવેદનનો જવાબ આપતા કહ્યું હતું કે, હું કોઇનાથી ડરતો નથી. યાદ રહે કે, પાટીલે સહકારી માળખામાં ચૂંટણીઓમાં મેન્ડેટ પ્રથા દાખલ કરી હતી. રાદડિયાએ મેન્ડેટનો અનાદર કરીને ચૂંટણી જીતી છે. હવે આ પ્રથાનો વિરોધ થઇ રહ્યો છે.
પહેલાથી જ પાટીલની કાર્યશૈલીથી ભાજપના અનેક નેતાઓ નારાજ હતા. રાદડિયા પ્રકરણ બાદ હવે નારાજગી વધી રહી છે. ઇફ્કોની ચૂંટણીમાં પણ નવી રાજનીતિ જાેવા મળી છે, મેન્ડેટનો અનાદર કરવો યોગ્ય નથી તેવું પાટીલે કહ્યું હતુ, સામે સંઘાણીએ કહ્યું કે પહેલા સહકારી માળખામાં મેન્ડટ હતું જ નહીં. હવે એક પછી એક નેતાઓ પાટીલ સામે મોરચો ખોલી રહ્યાં છે, દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા, ફળદુ, નારણ કાછડિયા સહિતના નેતાઓના શબ્દો પરથી બળવો સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. આ રાજકીય બળવાનું સૌરાષ્ટ્ર એપી સેન્ટર બની શકે છે.