(સિટી ટુડે) નર્મદા, તા.૧૪
નર્મદા જિલ્લા નાંદોદ તાલુકાના પોઇચા ગામ નજીક નર્મદા નદીમાં એક ૪૫ વર્ષીય વ્યક્તિ સહિત ૬ જેટલા બાળકોની પાણીમાં ડૂબી જવાની ગોઝારી ઘટના બની છે.
મૂળ અમરેલી જિલ્લાના અને હાલ સુરતમાં એકજ સોસાયટીમાં રહેતા ૧૭ જેટલા લોકો પોઇચા નર્મદા નદી ખાતે નાહવા આવ્યા હતા. જેમાંથી અલગ અલગ ત્રણ પરિવારના ૮ જેટલા લોકો નદીનાં ઊંડા પાણીમાં ડુબવા લાગતા બચાવો બચાવોની બૂમો પાડતાં સ્થાનિકોએ એકને ડૂબતા બચાવી લીધો હતો. જ્યારે ૪૫ વર્ષીય એક વ્યક્તિ સહિત ૬ જેટલો બાળકો પાણીમાં પરિવાર જનો સામે ગરકાવ થઈ જતાં પંથકમાં અરેરાટી વ્યાપી છે.
ફાયબ્રિગેડ સ્થાનિક તરવૈયાની મદદથી ડૂબી ગયેલા બાળકોની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ચાર પાંચ કલાક સુધી ડૂબી જનારનો કોઈ પત્તો ન લાગતાં વડોદરાથી એનડીઆરએફની ટીમો બોલાવવામાં આવી હતી. ત્યારે એનડીઆરએફની ટીમો દ્વારા બોટની મદદથી લાપતા થયેલા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ સલામતીના ભાગ રૂપે નદી કિનારેથી બીજા લોકોને પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે પણ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
સુરતની વરાછા વિસ્તારમાં આવેલ ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં ભાગવત કથા બેસાડી હતી જેથી સોસાયટીના બાળકો સહિત ૧૭ જેટલા લોકો પોઇચા નર્મદા નદી ખાતે નાહવા આવ્યા હતા. અને ઉનાળા વેકેશનના કારણે શાળા કોલેજમાં રજા હોય મોટી સંખ્યામાં અન્ય પ્રવાસીઓ પણ નાહવાની મજા માણી રહ્યા હતા. ત્યારે અલગ અલગ ત્રણ પરિવારના ૮ જેટલા લોકો પાણીના ડૂબ્યા લાગ્યા હતા જેથી બચાવો બચાવોની બૂમો પડતાં સ્થાનિકો દ્વારા એક ઈસમ નામે મગનભાઈ નન્નાભાઈ ઝિંઝાળાને બચાવી લેવાયા હતા જ્યારે ૧. ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (૪૫ વર્ષ) ૨. આરનવ ભરતભાઈ બલદાણિયા (૧૨ વર્ષ) ૩. મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા (૧૫ વર્ષ) ૪. વ્રજભાઈ હિંતમભાઈ બલદાણિયા (૧૧ વર્ષ) ૫. આર્યન રાજુભાઈ ઝીંઝાળ (૭વર્ષ) ૬ . ભાર્ગવ અશોકભાઈ હદીયા (૧૫ વર્ષ) ૭. ભાવેશ વલ્લભભાઈ હદીયા (૧૫ વર્ષ) નદી પાણીમાં પરિવાર જનો સામે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડની ટીમોને મૃતકોની ભાળ ન મળતાં તેઓની એનડીઆરએફની ટીમોની મદદથી શોધ ખોળ ચાલી રહી છે.