અમદાવાદ, તા.૨૨
આજે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસની લોકસભા ઉમેદવારો સાથે બેઠક યોજાનાર છે જેમાં પ્રભારી મુકુલ વાસનિક અને શક્તિસિંહની હાજરીમાં તમામ જિલ્લા પ્રમુખ અને પ્રભારી પણ હાજર રહેશે. આ બેઠકમાં પક્ષ વિરૂદ્દ કામ કરનાર અંગેની ચર્ચા કરવામાં આવશે. તે સિવાય બુથ વિશે માહિતી મેળવવામાં આવશે.
રાજકોટ માં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે પરિણામ પહેલા જ મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે, બુથ પર પક્ષની ક્યાંકને ક્યાંક કચાશ રહી ગઈ હતી. કોંગ્રેસ તેના પર કામ કરશે. કોંગ્રેસને એ વાત ગંધ આવી છેકે, કોંગ્રેસના જ કેટલાક ગદ્દારો કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનની હારનું કારણ બની શકે છે.
સુરત લોકસભામાં જે થયું તે અંગે કોંગ્રેસની તપાસ ચાલી રહી છે. નિલેશ કુંભાણી કેસથી કોંગ્રેસને મોટુ નુકસાન થયું છે. આ સિવાય ભરૂચમાં કોંગ્રેસની નિષ્ક્રિયતા પર સવાલ થઈ રહ્યા છે, જ્યાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ઊભા હતા. આ જ કારણથી ત્યાંના કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ હતા. આ સિવાય નવસારી, ગાંધીનગર બેઠક પર કોંગ્રેસનો અવકાશ પ્રચાર રહ્યો એટલે કે ત્યાં જનસંપર્ક જ કરવામાં ન આવ્યો અને શાંત પ્રચાર રહ્યો હતો. માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ ના જવાબદાર નેતાઓ એ ભાજપ સાથે ગોઠવણ પાડી કોંગ્રેસ ને હરાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસ ના ઉમેદવાર પાસે જ પક્ષવિરોધી ઓની માહિતી મંગાવાઈ છે. તે આધારે શિસ્ત ભંગ ના પગલાં લેવામાં આવશે. આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.