ખુદ ભાજપના ધારાસભ્યએ જ નકલી કચેરી શોધી કાઢી સિંચાઈ વિભાગના નિવૃત કર્મચારી નકલી કચેરી ચલાવતો હોવાની અટકળો
અમદાવાદ, તા.૨૨
ગુજરાતમાં અત્યારે રોજ કોઈને કોઈ નવા નકલી કૌભાંડો સામે આવે છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં નકલી મસાલા, પનીર, ખાદ્ય સામગ્રી, નકલી બિયારણ, નકલી અધિકારી અને ઘટતું હતું તો હવે નકલી કચેરીઓ પણ ઝડપાવા લાગી છે. આજે અરવલ્લીના મોડાસા માંથી આવું જ એક કૌભાંડ સામે આવ્યું છે.
ગુજરાતના અરવલ્લીના મોડાસા તાલુકામાંથી આજે સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઇ છે. આ કચેરી સિંચાઈ વિભાગના નિવૃત કર્મચારી દ્વારા ચલાવવામાં આવતી હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
મોડાસા તાલુકાની આ નકલી કચેરીમાંથી ૭ જેટલા કર્મચારીઓ કાર્ય કરતા મળી આવ્યા છે. સાથે જ આ નકલી કચેરીમાંથી સરકારી સિક્કા અને શંકાસ્પદ દસ્તાવેજાે પણ ઝડપાયા હતા. આ સમગ્ર નકલી કૌભાંડ મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સવાલો ઉભા કર્યા છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીવધુ તપાસ હાથ ધરી હતી. પહેલા પણ ગુજરાતમાંથી નકલી કચેરીકાંડ ઝડપાયું હતું. છોટા ઉદેપુરમાંથી નકલી સરકારી કચેરી ઝડપાઇ હતી. ત્યારે અહીં સવાલ એ થાય કે આટલી મોટી સરકારી કચેરીઓ ઉભી થઇ જાય છે ત્યાં સુધી સરકારને કંઈ ભનક લગતી નથી ?