સુરત, તા.૨૩
હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.. હીટવેવના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક ૩૦ ટકાનો વધારો થયો છે. જી હા, ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે. વડીલોની નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે ગરમીની અસર જલદી થાય છે. ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે.
છેલ્લા ૧૦ વર્ષના ડેટા મુજબ હીટવેવથી ૩૦ ટકા મૃત્યુ સામાન્ય મૃત્યુ કરતાં વધી જાય છે. છેલ્લા ૩ દિવસથી અમદાવાદની સાથે સાથે અમરેલી, સુરેન્દ્રનગર, કંડલા, ઈડર અને ગાંધીનગરમાં તારમાનનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે આ સ્થિતિમાં રોજના સવાસોથી દોઢસો કેસ હીટ સ્ટ્રોકના અને તેની સંબંધિત બિમારીના આવી રહ્યા છે. જણાવી દઈએ કે, ૨૦૧૩માં હીટવેવથી ૧૧૦૦ મૃત્યુ થતાં અમદાવાદ પહેલું એવું શહેર બન્યું કે જ્યાં હીટવેવ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો.
સુરતમાં કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે ગુજરાતભરમાં હીટસ્ટ્રોકથી સૌથી વધુ મૃત્યુઆંક સુરતમાં નોંધાયો છે. સુરતમાં એક જ દિવસમાં હીટ સ્ટ્રોક, ગભરામણ, ખેંચ, બેભાન થવાથી ૧૦ નાં મોત નિપજ્યાં છે. તમામ મૃતકો ગભરામણ પછી બેભાન થયા છે. આમ, એક જ દિવસમાં ૧૦નાં મોતથી હાહાકાર મચી ગયો છે. જેમા ચારને હીટસ્ટ્રોક, ૫ વ્યક્તિને હાર્ટએટેકની શંકા છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત છે. સોમવારે ૧૧ શહેરોમાં તાપમાન ૪૩ ડિગ્રીને પાર રહ્યું. આજે પણ તાપમાનના પારો ઉંચકાવાની આગાહી છે. ત્યારે વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ ૩ વ્યક્તિના મોત થયા છે. ડિહાઇડ્રેશન, ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વડોદરામાં વધુ ૩ના મોત થયા છે. ૫ દિવસમાં અત્યારસુધી ૧૯ લોકોના મોત થયા છે. ૭૭ વર્ષના કિશનરાવ દીધે, ૩૯ વર્ષના જગદીશ પટેલ અને ૬૨ વર્ષના કરશન પરમારનું મોત નિપજયું છે. મૃતકોના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ બાદ હકીકત જાણી શકાશે. જેથી સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ ડો રંજન ઐયરે જાગૃતિ માટેનો સંદેશો આપ્યો છે. તેમણે લોકોને ગરમીમાં સવારે ૧૦.૩૦ થી સાંજે ૬ વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, લોકોએ વધુમાં વધુ છાશ અને પાણી પીવું જાેઈએ.