- રૂપાલાને પીડિતના પરિવારજનોએ ટોણો માર્યો,આટલા દિવસથી ક્યાં હતા? હવે ફોટા પડાવવા આવ્યા છો
- TRP ગેમ ઝોનમાં મોટી દુર્ઘટના બની ને તમે ફરક્યા પણ નહીં!
- ચૂંટણી સમયે ‘હું રાજકોટમાં જ રહેવાનો છું’ કહેનારા રૂપાલા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત, અગ્નિકાંડ બાદ હવે દેખાયા
(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૮
રાજકોટ અગ્નિકાંડમાં અડધું રાજકોટ પીડિત પરિવારોની મદદે આવ્યું હતું. સ્થાનિક નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગાંધીનગરથી મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી આવી ગયા હતા. બે દિવસથી રાજકોટ આખા દેશમા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આવા મોટા અગ્નિકાંડમાં ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા ગાયબ દેખાયા. આટલી મોટી ઘટનામાં રૂપાલાએ માત્ર બે ટ્વીટ કરીને પોતાની જવાબદારી પૂરી કરી. રૂપાલા એવા તો કયા કામમાં વ્યસ્ત હતા, તે તેઓને રાજકોટની હોસ્પિટલમાં પીડિત પરિવારોને મળવાનો વિચાર પણ ન આવ્યો.
આંતરિક વિવાદ અને રાજપૂતોના વિરોધ વચ્ચે પણ ભાજપ પોતાના ઉમેદવાર માટે મક્કમ હતું. રાજકોટમાંથી રૂપાલા નહિ હટે તેવું ભાજપે ઠાની લીધું હતું. વિરોધ વચ્ચે પણ રાજકોટવાસીઓ રૂપાલાને પડખે રહ્યા હતા. ભાજપના ઉમેદવારને તેઓએ માથે બેસાડીને સાથ આપ્યો હતો. રૂપાલાએ જ્યાં જ્યાં રેલી કરી ત્યાં રાજકોટમાં જનમેદની ભેગી થઈ હતી. રાજકોટવાસીઓએ રૂપાલાને સાથ આપ્યો, પણ જ્યારે રાજકોટવાસીઓને જરૂર પડી ત્યારે રૂપાલા જ ન દેખાયા.
શું રૂપાલાને રેલી અને સભા યોજવાનો સમય હતો, પણ રાજકોટવાસીઓના આસું લૂંછવાનો સમય તેમને ન મળ્યો. રૂપાલા લોકસભાની ચૂંટણીમાં જીત્યા તો આ જ તેમનો સંસદીય વિસ્તાર બનશે. પરિણામ પહેલા જ રૂપાલા રાજકોટની અવગણના કરી શક્તા હોવ, તો પછી પરિણામ બાદ શું થશે. ગમે તે હોય, પણ રૂપાલાજી આ તમારી જવાબદારીમાં આવતું હતું. રાજકોટના ઉમેદવાર તરીકે નહિ, પણ માનવતા દાખવીને પણ ભાજપના અન્ય નેતાઓની જેમ તમારે રાજકોટ આવવું જોઈતું હતું.
પરસોતમ રૂપાલાને પીડિતના પરિવારજનોએ કહ્યું હતું કે, આટલા દિવસથી ક્યાં હતા? તમે મીડિયામાં ફોટા પડાવવા અહીં આવ્યા છો તે સહિતના મેણા ટોણા માર્યા હોવાનું સામે આવ્યું છે.
પરશોતમ રૂપાલાને મીડિયાએ સવાલ કર્યો હતો કે, અત્યાર સુધી તમે શા માટે અહીંયા નહોતા આવ્યા? જેના જવાબમાં પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, અહીંયા આવવાથી વિવાધાન પેદા થાય છે. એટલા માટે અત્યાર સુધી હું અહીંયા નહોતો આવ્યો. પરંતુ હું સતત અધિકારીઓના સંપર્કમાં હતો. ખુદ મુખ્યમંત્રી જ્યારે રાજકોટ આવ્યા હતા ત્યારે પણ હું તેમની સાથે એઇમ્સ હોસ્પિટલ ખાતે હાજર હતો.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કલેકટર પ્રભવ જોશી સહિતના અધિકારીઓને સાથે રાખીને પીએમ રૂમ પાસે પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં પરશોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 17 જેટલા મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. 27 પૈકી 17 જેટલા ડીએનએ મેચ થઈ જતા હવે માત્ર 10 જેટલા જ ડીએનએ મેચ કરવાના બાકી છે. 27 ડેથ બોડી ઘટના સ્થળ પરથી મળી આવી છે. થોડાક અંગો પાંગો સાથની ડેથ બોડી પણ મળી આવી છે.