- અગ્નિકાંડના છાંટા રાજકીય નેતાઓને ઉડશે
- રાજકોટ મહાપાલિકામાં નિમાયેલા ભાજપના પદાધિકારીઓ બદલાઈ શકે છે, ઘણી ફરિયાદો કમલમ પ્રદેશ સુધી પહોંચી
(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૯
છેલ્લા બેક મહિનાથી રાજકોટમાં ભાજપમાં કંઇક ફેરફારો આવશે તેવી રાજકીય આગાહીઓ થવા લાગી હતી. દરમ્યાન ગત શનિવારે રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડથી આખુય રાજય ધ્રુજી ઉઠયું છે. સરકાર એકશન મોડમાં આવી છે. બેજવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ઉચ્ચ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. હવે રાજકોટ મ્યુનિસિપલમાં ભાજપ શાસનના પદાધિકારીઓમાં મોટા ફેરબદલ ના એંધાન છે. રાજકોટ મહાપાલિકામાં બીજી ટર્મમાં નિમાયેલા ભાજપના પાંચ પદાધિકારીઓમાં ફેરબદલ થઇ શકે છે તો સંગઠનમાં પણ ફેરફાર આવી શકે તેવી થોડા સમયથી ચાલતી ચર્ચાને આ અગ્નિકાંડથી હવા મળી ગઇ છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપ શાસનની બીજી ટર્મમાં મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક નેતા, દંડક અને પેટા સમિતિના ચેરમેનોની નિમણુંક થઇ હતી તે પૂર્વે ભાજપ સંગઠનમાં પણ મોટા ફેરફાર કરવા સાથે સરપ્રાઇઝ નિમણુંકો થઇ હતી.
એક સમયે રાજકોટમાં સતાના કેન્દ્રમાં રહેલા નેતાઓને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા હતા. આ બાદ નવા સંંગઠન અને સતાના લોકોએ મહાપાલિકાની ધુરા સંભાળી છે. ચૂંટણી અગાઉ મનપામાં બધુ ઠીકઠાક ન હોવાની ચર્ચા ચાલી છે.
સંગઠનની સૂચનાથી સતાના નિર્ણયો લેવામાં આવતા હોય છે. આ સ્થિતિમાં કોઇને કોઇ રીતે શાસન પક્ષની બેજવાબદારી સામે પણ આક્ષેપો થવા લાગ્યા છે. આથી જો સરકાર અને પ્રદેશ ભાજપ વધુમાં વધુ કડક પગલા લે તો સત્તા અને સંગઠનમાં પણ ફેરફારની શકયતા નકારાતી નથી. આ અગ્નિકાંડના છાંટા રાજકીય નેતાઓની ખુરશી સુધી ઉડી શકે તેમ છે.
ઘણી ફરિયાદો કમલમ પ્રદેશ સુધી મોકલવામાં આવી રહી છે. આ સંજોગોમાં અમુક લોકો મત ગણતરી બાદ કેટલાક ફેરફારો થાય તેવી આગાહી કરતા હતા. પરંતુ હવે સૌથી કરૂણ ઘટના બની છે ત્યારે આ ઘટનાના પડઘા રૂપે પણ સંગઠનના હોદ્દેદારો અને કેટલાક પદાધિકારીઓમાં ફેરફાર થાય અથવા પૂરી બોડી બદલવાનો આકરો નિર્ણય આવી શકે તેમ છે.
હાલ તો ચૂંટાયેલા લોકો, હોદ્દેદારો અને અધિકારીઓમાં જોખમની ચિંતા વચ્ચે કોનો વારો આવશે તેવી ચર્ચા ગરમા ગરમ બની ગઇ છે.