સુરતના શાહપોરમાં આવેલી બેંક ઓફ બરોડામાં કાર્યરત એકાઉન્ટમાં મોબાઈલ નંબર અને સહી બદલીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની હકીકત પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઈ છે.
(સિટી ટુડે) સુરત,તા.૨૯
કઠોર ખાતે આવેલી કરોડો રૂપિયાનું બજાર મુલ્ય ધરાવતી ખેતીલાયક જમીનમાં કડદો કરીને છેતરપિંડી કરનાર સલાબતપુરા, રાણીતલાવ તેમજ મિરઝા શામી રોડના માલિક-બ્રોકરો વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સુરતના શાહપોરમાં આવેલી બેંક ઓફ બરોડામાં કાર્યરત એકાઉન્ટમાં મોબાઈલ નંબર અને સહી બદલીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની હકીકત પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઈ છે.
કામરેજ નજીક કઠોરગામની હદમાં આવેલી બ્લોક નં. 431, 434 તેમજ 458 વાળી જુની શરતની ખેતીલાયકના મુળ માલિક ઐયુબ ઈસ્માઈલ રઝા કાઝી (રહે બદાત ફળીયું, કઠોર, કામરેજ) સાથે સરફરાજ અલ્લારખા મુલતાની (રહે. એ-6, 502, સ્વાગત રેસિડેન્સી, કઠોરગામ, કામરેજ) વર્ષ 2019માં સોદો કર્યો હતો અને જમીન પેટે અમુક રકમ આપીને સાટાખત કર્યા હતા. પાછળથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટર વીલથી સરફરાજ મુલતાની જમીનના માલિક બન્યા હતા.
રિયલ એસ્ટેટ બિઝનેશ સાથે સંકળાયેલા સરફરાજ મુલતાની આ જમીન વેચી દેવા માંગતા હોવાથી સુરતમાં વસવાટ કરતા યાકુબ ઈબ્રાહિમ સોની (રહે 12-430, સોની સ્ટ્રીટ, રાણીતલાવ)નો સંપર્ક સાધ્યો હતો. જેથી યાકુબે રિયલ એસ્ટેટ બ્રોકર સાજીદ અબ્દુલ અઝીઝ સક્કરવાલા થકી ફિરોઝ અબ્દુલમજીદ મુન્શી તથા સિદ્દીક વાડીવાલા સાથે મુલાકાત કરાવીને 12 કરોડ ઉચ્ચકમાં જમીનનો સોદો ફાઈનલ કર્યો હતો જેમાં જંત્રી મુજબ કાગળ પર 8 કરોડ અને રોકડમાં 4 કરોડ આપવાનું નક્કી કરીને સોદો ફાઈનલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2022ના પ્રારંભિક તબક્કામાં સોદો થયા બાદ સરફરાઝ મુલતાનીને ટુકડે-ટુકડે મળીને 70 લાખ રૂપિયા આપ્યા હતા. આ સમયગાળા દરમિયાન સરફરાઝના પિતા બિમારીમાં સપડાઈ જતાં તેઓ પિતાની સેવામાં લાગી પડ્યા હતા પરંતુ પાંચ મહિનાની ટૂંકી માંદગી બાદ તેઓનું અવસાન થતાં પુત્ર પડી ભાંગ્યો હતો. તમામ વિધિ પતાવ્યા બાદ સ્વસ્થતા કેળવીને સરફરાઝે યાકુબ સોની, ફિરોઝ મુન્શી તેમજ સિદ્દીક વાડીવાલાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે યોગ્ય પ્રત્યુત્તર આપ્યો ન હતો.
આ બધા વચ્ચે સરફરાઝને કઈંક ગંધ આવી જતાં તેમણે સુરતના શાહપોર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં મેનેજર ક્રિષ્ણાકુમારે સ્ટેટમેન્જ રજુ કરતાં જ સરફરાઝ મુલ્તાનીના પગતળેથી ધરતી ખસી ગઈ હતી. તેમની અનુપસ્થિતિ વચ્ચે યાકુબ સોની અને અન્ય મળતિયાઓએ સરફરાઝના BOBમાં આવેલા એકાઉન્ટમાં ચેકથી રૂપિયા ટ્રાન્સફર કરીને રોકડમાં ઉપાડી પણ લીધા હતા.
એકાઉન્ટ હોલ્ડરની સહી વિના કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ જતાં સરફરાઝે આખરે કામરેજ પોલીસ મથકમાં સિદ્દીક મોહંમદભાઈ વાડીવાલા (રહે. 3-2702, મોમનાવાડ, સલાબતપુરા), યાકુબ ઈબ્રાહિમ સોની (રહે. 12-430, સોની સ્ટ્રીટ, રાણીતલાવ) અને તેના પુત્ર ઈમરાન સોની (રહે. 1643, 201, સોદાગરવાડ, માછલીપીઠ), ફિરોઝ અબ્દુલ મજીદ મુન્શી (11-2217, કોળીવાડ, મિરઝા શામી રોડ, સુરત), આસિફ નિશાર શેખ (11-2297, કોળીવાડ, મિરઝા શામી રોડ, સુરત) તથા સાજીદ અબ્દુલ અઝીઝ શક્કરવાલા (રહે. 12-740, સોની સ્ટ્રીટ, રાણીતલાવ, સુરત) વિરૂદ્ધ આઈપીસી 406,420, 465, 467, 468, 471, 34(એનએસ) તથા 120 બી મુજબ ગુનો નોંધાવ્યો છે.