પરિણામ બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી
નવા ચહેરાઓને સ્થાન મળશે, જૂના મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે
(સિટી ટુડે)અમદાવાદ,તા.૦૩
એક તરફ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. બીજી તરફ આવતીકાલે પરિણામ પણ જાહેર થઈ જશે. આ સાથે જ હવે ગુજરાતમાં રાજકીય ઉથલપાથલના એંધાણ છે. ત્યારે હવે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી
વિજય રૂપાણીએ પણ મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના રાજકારણમાં નવા-જૂની થવાના એંધાણ ખુદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ આપ્યા છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે લોકસભા ચૂંટણીનાં પરિણામ બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થાય એવી શક્યતા છે વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે, મંત્રીમંડળ બદલાવાની શક્યતા છે, બાકી ઉપરવાળા નક્કી કરશે.
લોકસભાની ચૂંટણીઓ બાદ અને ખાસ કરીને રાજકોટના અગ્નિકાંડ બાદ હવે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ફેરબદલ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે, મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા હોવાનું પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું છે, જેમાં નવા ચહેરાઓને સ્થાન મળશે અને જૂના કેટલાક મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે.