- પક્ષવિરોધીઓ ને સજા ન કરો તો બીજા પ્રેરિત થાય છે અને પાર્ટીને નુકશાન થાય છે
- કોંગ્રેસનો ઉમેદવારે પોતાના દમ પર, પોતાના સમાજની તાકાત ઉપર ચૂંટણી લડવું પડે
- ભાજપની સરખામણીએ કોંગ્રેસની સિસ્ટમમાં ઘણો મોટો અભાવ
(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૬
ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોરે જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની ખામીઓ પણ કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, હું પાર્ટીને એક જ સંદેશો આપવા માંગુ છું કે ઝીરો ગ્રાઉન્ડ ઉપર કામગીરીમાં ભાજપની સરખામણીએ આપણી સિસ્ટમમાં ઘણો મોટો અભાવ છે. જેના કારણે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે એને પોતાના દમ ઉપર પોતાના સમાજની તાકાત ઉપર ચૂંટણી લડવું પડે છે. તેના બદલે જો પાર્ટી પેરેલર ચૂંટણી લડતી થશે, તો કોંગ્રેસ મજબૂતાઈ ચૂંટણી મેદાનમાં જઈને જન આશીર્વાદ મેળવતી થશે. એની શરૂઆત બનાસકાંઠાથી થઈ છે. બનાસકાંઠા કોંગ્રેસનો કાયમી ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાની મોટી સિસ્ટમનો અભાવ હોય. ક્યાંક પક્ષ વિરોધી કામો જે કરતા હોય એ લોકોને પાર્ટીમાં નિયમ પ્રમાણે કોઈ સ્થાન ન હોવું જોઈએ.
તેમણે કહ્યું કે, જે પક્ષનું ખોટું કરતા હોય નુકસાન કરતા હોય જો એને સજા ન કરો તો બીજા એને જોઈને પ્રેરિત થતા હોય છે અને પાર્ટીને નુકશાન થતું હોય છે. હું પાર્ટીને સલાહ આપવા સક્ષમ નથી કે સલાહ આપવાનો મારો કોઈ અધિકાર નથી પણ જે લોકો મારા નીચે કામ કરે છે એ લોકોને મેં હંમેશા મનોબળ પૂરું પાડ્યું છે. હું સિસ્ટમમાં કામ કરૂં છું. પાર્ટીના વિરોધમાં કોઈપણ કે મારો સાગો ભાઈ કામ કરે તો મેં કયારેય ‘લેટ ગો’ની ભાવના રાખી નથી. જ્યારે ઈમાનદારીની વાત આવે તો કોંગ્રેસનો કોઈપણ કાર્યકર નાનામાં નાની ચૂંટણી મારી મદદથી લડવાનો હોય તો મેં એને પુરી મદદ કરીને જીતડવાના પ્રયત્નો કર્યા છે. માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું.