નવીદિલ્હી,તા.૧૧
લોકસભા ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. ભાજપની આગેવાની હેઠળની NDAની કેન્દ્રમાં સરકાર બની ગઈ છે. આ સાથે જ ડુંગળીના ભાવમાં ધરખમ વધારો થયો છે. દિલ્હી-એનસીઆરના માર્કેટમાં છેલ્લા એક અઠવાડિયાથી ડુંગળીના ભાવમાં ૫૦%નો વધારો થયો છે. હાલમાં આકરી ગરમીના કારણે પહેલાથી જ લીલી શાકભાજીના ભાવ આસમાને છે. આ સાથે જ ડુંગળીની સાથે-સાથે બટાકાના ભાવ પણ વધી રહ્યા છે. દિલ્હીના બજારમાં એક અઠવાડિયાથી જ ડુંગળી ૫૦% મોંઘી થઈ ગઈ છે.
ગત રવિવારે એટલે કે, ૨ જૂન ૨૦૨૪ના રોજ રિટેલ બજારમાં ડુંગળીની કિંમત ૨૫થી ૩૦ રૂપિયા કિલો હતી. ૯ જૂનના રોજ આ જ બજારમાં ડુંગળીની કિંમત ૩૪થી ૪૦ રૂપિયા કિલો થઈ ગઈ. આજે એટલે કે ૧૧ જૂને સારી ડુંગળીની કિંમત ૫૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. એક શાકભાજી વેચનારનું કહેવું છે કે આઝાદપુર માર્કેટમાં જ ડુંગળીની કિંમત ૪૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. રિટેલ માર્કેટમાં તે ઓછામાં ઓછા રૂ. ૫૦ પ્રતિ કિલોના ભાવે તો વેચાશે જ. ડુંગળીની સાથે-સાથે બટાકાના ભાવમાં પણ ઉછાળ આવ્યો છે. હાલમાં ગરમીના કારણે લીલી શાકભાજીની કિંમત આસમાને છે. તેના કારણે ઓછી આવક વાળા લોકો બટાકા પર શિફ્ટ થઈ ગયા છે. ત્યારે હવે બજારમાં સાધારણ બટાકાની કિંમત ૩૫થી ૪૦ રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે. જાે તમે ચિપ્સોના અથવા પહાડી બટાકા ખરીદવા જશો તો તે ૪૫ રૂપિયા કિલો મળશે. આગામી સોમવારે જ બકરી ઈદ છે. આ તહેવાર દરમિયાન દેશભરમાં ડુંગળીની માગ વધી જાય છે. તેને ધ્યાનમાં રાખીને વેપારી પહેલાથી જ સ્ટોક કરવાનું શરૂ કરી દે છે.
દેશમાં ડુંગળીનું સૌથી મોટું માર્કેટ નાસિકની લાસલગામ માર્કેટમાં ગત સોમવારે ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ ૨૬ રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે ૨૫ મેના રોજ તે ૧૭ રૂપિયા પ્રતિ કિલો હતો. કુલ કારોબાર માત્રામાં નાનો હિસ્સો ધરાવતી શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ડુંગળીની કિંમત ૩૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
સ્વાભાવિક છે કે, દિલ્હી પહોંચતા તેના પર પ્રતિ કિલો પાંચથી સાત રૂપિયાનો ખર્ચો તો જાેડાઈ જ જશે. ૨૦૨૩-૨૪ની રવિ સિઝનમાં ડુંગળીનો પાક ખરાબ થઈ ગયો છે. આ જ કારણોસર માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન ખોરવાઈ ગયું છે. જૂનથી બજારોમાં આવતી ડુંગળી સીધી ખેતરોમાંથી આવતી નથી પરંતુ ખેડૂતો અને વેપારીઓ દ્વારા રાખવામાં આવેલા સ્ટોકમાંથી આવે છે. ખેડૂતો આ સમયે તેમનો સ્ટોક ધીમે વેચી રહ્યા છે કારણ કે તેઓને ભાવ વધુ વધવાની અપેક્ષા છે.સરકારે લોક સભા ચૂંટણી પહેલા જ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો. જાે કે તેની નિકાસ પર ૪૦% નિકાસ જકાત છે. તેના કારણે નિકાસની ગતિ ધીમી છે. વેપારીઓનો દાવો છે કે ૧૭ જૂને આવનારી બકરી ઈદ માટે ડુંગળીની સ્થાનિક માગ મજબૂત છે. હાલમાં મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાંથી ડુંગળીની ભારે માગ ઉઠી રહી છે. આ સાથે જ બાંગ્લાદેશમાં પણ ડુંગળીનો કન્સાઈનમેન્ટ જઈ રહ્યો છે.