(સિટી ટુડે) સુરત, તા.૧૬
રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ સુરતમાં સિલીંગની કાર્યવાહીને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુરત કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠક મળી હતી જેમાં ભાજપના જ ધારાસભ્યએ સિલીંગ કામગીરીને લઈ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં સુરત પૂર્વ બેઠકના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, કેટલા વર્ષોથી ચાલતી મિલકતો પર આજે તમે સીલ મારો છો. જે તે સમયે અધિકારીઓએ એક્શન કેમ ન લીધા? અકસ્માત બને છે તેની તમે રાહ જોતા હતા? મિલકત સીલ થયા બાદ લોકો અમારી પાસે રજૂઆત કરવા આવે છે. માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ શું અધિકારીઓને માલ ખાવા માટે રાખેલા છે? તેવા પણ ધારાસભ્યએ સવાલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ અથવા તો મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરી હતી. મહત્વની બાબતે છે કે મ્ેં પરમિશન વગર કે ફાયર સેફ્ટીના અભાવ અને અન્ય નિયમોનો ઉલ્લેખન કરવા છતાં પણ વર્ષોથી ગેમ ઝોન જે પ્રવૃત્તિઓ ધમધમતી રહી હતી. ત્યારે સંકલન બેઠકમાં ધારાસભ્યોએ કેટલાક મહત્વના મુદ્દા ઉઠાવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. સુડાના ચેરમેન તરીકેની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની હોય છે, ત્યારે આગામી સંકલન બેઠકમાં તેમને ફરજિયાત હાજર રહેવા માટે આદેશ કરવો જોઈએ. આ પ્રકારની વાતો જન પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કલેકટર ની સામે કરવામાં આવી હતી.
સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું કે, સુરત કલેક્ટરની અધ્યક્ષતામાં ધારાસભ્ય અને સાંસદ સભ્યોની સંકલન સમિતિ મળી હતી. જેમાં કેટલાક પ્રશ્નો હતા, રજૂઆતો હતી અને કેટલીક માહિતી માંગવામાં આવી હતી. એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર રાજકોટની ઘટનાને ધ્યાને રાખીને સીલિંગની કાર્યવાહી ચાલુ થઈ એની માહિતી માંગવામાં આવી હતી. એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે એ અધિકારીએ લગભગ ૮૨ જેટલી મિલકતો જેમાં શૈક્ષણિક, હોસ્પિટલ, ગેમ ઝોન વગેરે મિલકતો પર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આ મિલકતો આજે બની નથી વર્ષોથી ચાલતી હતી. ૧૯૮૦થી મિલકતો કાર્યરત હતી, કેટલીક મિલકતો ૨૦૦૦ના સાલથી કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે, ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ?
વધુમાં જણાવ્યું હતું કે, સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કઈ બાંધકામની પ્રવૃતિઓ ચાલે છે તેના પર નિયંત્રણ રાખવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરને પોતાના તાબાના અધિકારીઓની ઉપર પગલાં લેવા જોઈએ. એકપણ પગલાં લીધા નથી. ૮૨ મિલકતો પર મ્ેં અથવા તો ફાયર સેફ્ટીની સુવિધા નથી જેમ કરીને ૮૨ મિલકત સીલ મારી છે. તો આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ? જો અધિકારીઓની જવાબદારી બનતી હોય તો તેની પર પગલાં લેવા જોઈએ. કારણ કે, જેની મિલકત સીલ મરાય છે ત્યારે તે લોકો અમારી પાસે રજૂઆત કરવા આવે છે. ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે. જે અધિકારીએ કાયદાને રક્ષણ આપ્યું છે, કાયદાનું અનુસાશન જેને લાવવાની જવાબદારી છે તે જ્યારે લાવતા નથી. ત્યારે માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું નથી. કેટલા વર્ષોથી ચાલતી મિલકતો પર આજે તમે સીલ મારો છો. આજે તમે તેની વપરાશ બંધ કરાવો છો. જે તે વખતે જ્યારે આ કામગીરી ચાલતી હતી. ત્યારે અધિકારીઓની જવાબદારીમાં આવતું હતું અને કાયદા પ્રમાણે કામ કરવાનું હતું. જે તે સમયે મિલકત માલિક પર એક્શન લઈ શકતા હતા. આજે ગમે જ્યારે અકસ્માત બને છે તેની તમે રાહ જોતા હતા? આવા અકસ્માત બને પછી તંત્રએ જાગવાનું હોય? તો તમારા અધિકારીઓ શું કરે છે. અધિકારીઓને માલ ખાવા માટે રાખેલા છે? એટલા માટે આજે પ્રજાનો આક્રોશ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે એટલે સંકલન સમિતિમાં જવાબદારી નિભાવી છી.