નવી દિલ્હી, તા.૩૦
નેશનલ હેરાલ્ડ કેસનો જીન ગાંધી પરિવારનો પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યો. આ જ ક્રમમાં, દિલ્હી પોલીસે ફરી એકવાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નવી ફરીયાદ નોંધી છે. દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ એ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધી સહિત અનેક લોકો પર ફોજદારી કાવતરાના આરોપમાં નવી ફરીયાદ નોંધી છે. આ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુખ્યાલય દ્વારા ફરિયાદ નોંધાવ્યા પછી રજિસ્ટર કરવામાં આવી છે. ફરીયાદ માં રાહુલ અને સોનિયા સિવાય અન્ય છ વ્યક્તિઓ અને ત્રણ કંપનીઓના નામનો પણ સમાવેશ થાય છે.
હકીકતમાં, ફરીયાદ મુજબ આરોપ છે કે કોંગ્રેસ સાથે જાેડાયેલી કંપની એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ પર છેતરપિંડીથી કબજાે કરવા અને તેની સંપત્તિનું નિયંત્રણ લેવા માટે ફોજદારી કાવતરું ઘડવામાં આવ્યું. આ ફરીયાદ ૩ ઓક્ટોબરના રોજ નોંધાઈ હતી. આ પહેલા, ઇડીએ પોતાનો તપાસ રિપોર્ટ દિલ્હી પોલીસ સાથે શેર કર્યો હતો અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ ૬૬(૨) હેઠળ સૂચિબદ્ધ ગુનો નોંધવાની ભલામણ કરી હતી.








