સુરત, તા.૧૮
સુરતમાં ખાડીપૂરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરાઈ છે. આજે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઈ હતી, ત્યારે બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડી આસપાસનાં દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછાના બૂટભવાની નજીક કોયલી ખાડીની આસપાસનાં ૬ જેટલાં બિલ્ડિંગોને આજે તોડી પાડવામાં આવ્યાં છે. ખાડીના પટમાં કુલ ૨૬ જેટલાં બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું છે, જેને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલી રહી છે. આ ડિમોલિશન કામગીરીમાં ૧૦૦થી વધુ પાલિકાના કર્મચારીઓ અને ૧૫૦થી વધુ પોલીસકર્મીઓનો કાફલો જોડાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે એ માટે મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીના વહેણમાં અડચણરૂપ મિલકતોને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં પોલીસ, ટોરેન્ટ પાવર અને ગુજરાત ગેસ સહિતના વિભાગો પણ સહયોગ આપી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડિમોલિશનની કામગીરી હજુ ત્રણથી ચાર દિવસ સુધી ચાલે એવી શક્યતા છે. શરૂઆતમાં સ્થાનિક લોકોમાં થોડો રોષ જોવા મળ્યો હતો, પરંતુ પાલિકાના અધિકારીઓની સમજાવટ બાદ તેઓ સહકાર આપવા તૈયાર થયા હતા. હજુ પણ અન્ય મિલકતોના માલિકોને સમજાવવામાં આવી રહ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ખાડીના વહેણને નડતરરૂપ તમામ મિલકતોને ફરજિયાતપણે તોડી પાડવામાં આવશે, જેથી ભવિષ્યમાં ખાડીપૂરની સમસ્યાથી સુરતને મુક્તિ મળી શકે.
