સુરત, તા.૨૭
સુરત જિલ્લામાં શિક્ષણ વિભાગની વહીવટી બેદરકારી અને ગેરવહીવટનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક વાલીએ આરટીઇ (શિક્ષણનો અધિકાર અધિનિયમ) હેઠળ પોતાનાં બાળક માટે ઓનલાઇન ફોર્મ ભર્યું હતું, જેમાં દેલાડવા ગામે આવેલી સાઉથ ઇન્ડિયન મોર્ડન સ્કૂલ પસંદ કરાઈ હતી, પરંતુ આ સ્કૂલ તો ઘણા સમયથી બંધ હતી અને સામે તો બેંક દ્વારા પણ રિકવરી કાઢવામાં આવી હતી. બીજી બાજુ વિદ્યાર્થીને આરટીઇ મુજબ આ જ સ્કૂલમાં પ્રવેશ પણ આપી દેવામાં આવ્યા છે. જેની વિગત બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.
દેલાડવા ગામે આવેલી આ ખાનગી સ્કૂલે સમયસર લોનની ચૂકવણી ન કરતા બેંકે ૧.૬૬ કરોડ રૂપિયાની રિકવરી બહાર પાડી હતી. તેના પરિણામે સ્કૂલની મિલકત પર સીલ મારી દેવામાં આવ્યું છે અને સ્કૂલ ઘણા સમયથી બંધ પડી છે. છતાં પણ સુરત જિલ્લા શિક્ષણ વિભાગે આવી સ્કૂલને આરટીઇ હેઠળ પ્રવેશ ફાળવી દીધો છે, જેને લઈ ભારે ઉથલપાથલ મચી ગઈ છે.
જ્યારે વાલી પોતાનાં બાળક સાથે સ્કૂલમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા પહોંચ્યા, ત્યારે તેમણે સ્કૂલની સીલ થયેલી બિલ્ડિંગ અને બેંકની નોટિસ નજરે પડી. કોઈ પણ શિક્ષણસંબંધિત કર્મચારી સ્થળ પર હાજર ન હતો. આ ઘટનાએ વાલીમાં ભારે રોષ ફેલાવ્યો છે અને લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે: “સ્કૂલની મૂળ હકીકત તપાસ્યા વિના તેમને આરટીઇ હેઠળ કેવી રીતે પસંદ કરી શકાય?”
જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે આ આખા મામલાનો દોષ સીઆરસીના કર્મચારી પર મૂક્યો છે. ડીઇઓના જણાવ્યા અનુસાર હાલ સીઆરસીમાં નવી ભરતી કરવામાં આવી છે અને નવા કર્મચારીની ભૂલના કારણે સ્કૂલને પસંદ કરાઈ છે. ડીઇઓ તરફથી હવે સાઉથ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્કૂલની સ્થિતિ, બંધ થયાનું પ્રમાણ, બેંકની કાર્યવાહી અને આરટીઇના નિયમોના ઉલ્લંઘનના આધારે સ્કૂલની માન્યતા રદ કરવા માટે એક વિશેષ કમિટી બનાવવામાં આવી છે. ડીઇઓ ભગીરથ પરમાર સ્પષ્ટ જણાવ્યું છે કે, જાે ૧ જૂન, ૨૦૨૫ સુધી સ્કૂલ મૂળ જગ્યા પર શરૂ નહીં થાય તો તેની માન્યતા રદ કરવામાં આવશે. હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નજીકની અન્ય માન્યતા પ્રાપ્ત સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

બંધ સ્કૂલમાં RTE હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દીધો
-
Previous
અઠવાલાઈન્સ મુકામે કોર્ટની બહારથી એકશ્રી – રોહિત રાઠોડ નાઓનું આરોપીઓ ૧. રાકેશ ઉર્ફે બાલા મોહિત, ૨. પંકજ ઉર્ફે પંક્યો સેંડાણે, ૩. ભરત ઉર્ફે પચ્ચીસ, ૪. મુબારક ઉર્ફે મુબો પટેલ તથા અન્ય ત્રણ નાઓ દ્વારા કરવામા આવેલ અપહરણ અને મારામારી અંગેના ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં આરોપીઓને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતી નામદાર કોર્ટ