નવી દિલ્હી, તા.૨૭
રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત તૂટી પડતાં સાત વિદ્યાર્થીઓનાં મોત નીપજતા આખા દેશમાં હોબાળો મચી ગયો છે. આવા સમયે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્કૂલોમાં બાળકો માટે સુરક્ષા અને સુવિધાઓનું ફરજિયાત ઓડિટ હાથ ધરવા નિર્દેશ આપ્યા છે. બીજીબાજુ ઝાલાવાડની સ્કૂલમાં દુર્ઘટનામાં પોતાના બંને સંતાનોને ગુમાવનાર માતાના આક્રંદે આખા દેશને હચમચાવી દીધો છે. માતાએ કહ્યું તેના બંને બાળકો જતા રહ્યા, હવે આંગણું સુનું થઈ ગયું છે.
રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત તૂટી પડવાની દુર્ઘટનાના બીજા દિવસે કેન્દ્રીય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે, તેમણે વિદ્યાર્થીઓની સુરક્ષાની ખાતરી કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જાેઈએ, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા નિયમો મુજબ સ્કૂલો અને બાળકો સંબંધિત સુવિધાઓમાં સુરક્ષા ઓડિટ કરવું, ઈમર્જન્સી સ્થિતિનો સામનો કરવા માટે કર્ચમારીઓ અને વિદ્યાર્થીઓને તાલિમ આપવી અને કાઉન્સેલિંગ મારફત માનસિક સહાય પૂરી પાડવી જેવા પગલાંઓનો સમાવેશ થાય છે. દરમિયાન ઝાલાવાડના ગામમાં સ્કૂલની છત તૂટી પડતાં માર્યા ગયેલા સાત બાળકોમાં એક જ પરિવારના બે ભાઈ બહેન મીના અને કાન્હાનો સમાવેશ થાય છે. માતાએ કહ્યું, મારે તો બે જ બાળકો હતા. એક પુત્ર અને એક પુત્રી, બંને અકસ્માતમાં માર્યા ગયા. હવે ઘર સૂમસામ થઈ ગયું છે. ભગવાને મને જ ઉઠાવી લીધી હોત, બાળકોને બચાવી લીધા હોત… બંને સંતાનો ગુમાવનાર માતાના આક્રંદે આખા દેશને હચમચાવી દીધો છે.
બીજીબાજુ ઝાલાવાડના પિપલોદી ગામમાં સરકારી સ્કૂલની દુર્ઘટનામાં અધિકારીઓની બેદરકારી સામે આવી છે. સ્કૂલની જર્જરિત હાલતથી ચિંતિત ગામવાસીઓએ અધિકારીઓ અને શિક્ષકોને સ્કૂલના સમારકામ માટે વિનંતી કરી હતી, પરંતુ તેમણે કોઈ ધ્યાન આપ્યું નહીં. ઉલટાનું અધિકારીઓએ ગામવાસીઓને તેમના સ્તર પર સમારકામ કરાવવા કહી દીધું હતું. જ્યારે શિક્ષકોએ કહ્યું કે ગામના દરેક પરિવાર ૨૦૦-૨૦૦ રૂપિયા આપે તો સ્કૂલની નવી છત કરાવડાવીએ.
આ અકસ્માતથી ગુસ્સે ભરાયેલા ગામવાસીઓએ આક્ષેપ કર્યો કે, તેમણે સ્કૂલના રિપેરિંગ અંગે તહેસીલદાર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને વિનંતી કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. ચાર વર્ષથી દરેક ચોમાસામાં છતમાંથી પાણી ટપકતું હતું.
