સુરત, તા.૦૨
સુરતમાં તમે કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ લાઇસન્સ માટે સોસાયટી ચેરમેન અને ૧૦ પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત કરાયા છે. અમદાવાદમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકનું કરુણ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. નાગરિકોની સુરક્ષા અને પાલતુ પ્રાણીઓ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સુરત પાલિકાએ પાલતુ શ્વાન રાખવા માટે લાઇસન્સ ફરજિયાત બનાવવાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગેના નિયમો ઘડવામાં આવ્યા છે અને ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે. બીજી બાજુ માર્કેટ વિભાગ દ્વારા શહેરમાં ૧૦૦૦થી વધુ પાલતુ શ્વાન માલિકોને નોટિસો ફટકારવામાં આવી છે. નોટિસ અનાદર બદલ શ્વાન માલિકને મોબાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં જજ દ્વારા ર્નિણય લેવામાં આવશે.
માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ દિગ્વિજયરામના જણાવ્યા અનુસાર, સુરત શહેરમાં હવે કોઈપણ વ્યક્તિ પાલતુ શ્વાન રાખવા માંગતી હોય, તો તેણે ફરજિયાતપણે પાલિકા પાસેથી લાઇસન્સ મેળવવું પડશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય શ્વાન કરડવાના બનાવોને અટકાવવા અને પાલતુ પ્રાણીઓના માલિકોની જવાબદારી નક્કી કરવાનો છે.
પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા આ નવા નિયમો લાગુ કરતાં પહેલાં જ શહેરમાં ૧૦૦૦થી વધુ પાલતુ શ્વાન માલિકોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ નોટિસો દ્વારા તેમને નવા નિયમો વિશે જાણ કરવામાં આવી હતી અને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં પાલિકાને લાઇસન્સ માટે કુલ ૨૫૬ અરજીઓ મળી છે. તેમાંથી ૧૫૦ અરજીઓને મંજૂરી આપીને લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. જાેકે, ૧૦૯ અરજીઓ તપાસ બાદ કેન્સલ કરવામાં આવી છે.
માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ દિગ્વિજયરામે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જાે કોઈ શ્વાન માલિક લાઇસન્સ વિના પાલતુ શ્વાન રાખતો જણાશે, તો તેની સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. નોટિસ અનાદર બદલ શ્વાન માલિકને મોબાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં જજ દ્વારા ર્નિણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ર્નિણય ગુજરાતમાં રોડ પર કે લિફ્ટમાં પાલતુ શ્વાન કરડવાના કિસ્સાઓ વારંવાર સામે આવતા હોવાથી લેવામાં આવ્યો છે, જે નાગરિકોની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.
