પશ્ચિમ બંગાળ,તા.૨૫
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જાે તેમના પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેઓ સમગ્ર ભારતમાં ભાજપને હચમચાવી નાખશે. રાજ્યમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પર વધી રહેલા વિવાદ વચ્ચે બેનર્જીએ ખુલ્લા મંચ પરથી આ ધમકી આપી હતી.
મમતા દીદીએ કહ્યું કે, તેઓ આજે હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરવાના હતા, પરંતુ સવારે અચાનક માહિતી મળી કે, તેમનું હેલિકોપ્ટર ઉડાડવામાં આવશે નહીં. તેને ષડયંત્ર ગણાવતા કહ્યું કે, “હું મોડી પહોંચી કારણ કે હું હેલિકોપ્ટરનો ઉપયોગ કરતી નથી. મારે આજે હેલિકોપ્ટર જવાનું હતું, પરંતુ મને સવારે ખબર પડી કે, તે ઉડશે નહીં.” ચૂંટણીઓ શરૂ પણ થઈ નથી અને તમે પહેલાથી જ સંઘર્ષ શરૂ કરી દીધો છે? સારું થયું કે, હું અહીં પગપાળા આવી છું, લોકોને મળી રહી છું.
મમતા બેનર્જીએ કહ્યું કે, “મને SIR ના નામે જાણી જાેઈને નિશાન બનાવવામાં આવી રહી છે. જાે મારા પર કોઈ પણ રીતે હુમલો કરવામાં આવશે, તો હું સમગ્ર ભારતમાં ભાજપને હચમચાવી નાખીશ.” ભાજપ પર સીધો હુમલો કરતા તેમણે કહ્યું કે, “હું તેમને કહેવા માંગુ છું કે, તમે મને અડશો નહીં. અમે તમારો ખેલ જાણીએ છીએ. પરંતુ તમે ક્યારેય બંગાળ જીતી શકશો નહીં.” મમતાએ દાવો કર્યો કે, ભાજપ બિહારમાં ચૂંટણી લડવામાં નિષ્ફળ ગયું છે અથવા વિપક્ષની રણનીતિ સમજી શકી નથી. આ સાથે જ, મમતા બેનર્જીએ સર વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી કૂચની પણ જાહેરાત કરી હતી.









