સુરત, તા.૨૫
સુરતમાં બીજા દિવસે પણ ખાડીપૂરની સમસ્યા યથાવત છે. સ્માર્ટ સિટીમાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. લોકોની હાલાકી યથાવત છે. આજે પણ સુરત ખાડીપૂરમાં ડૂબ્યું છે, અને સ્માર્ટ સિટીના સત્તાધીશો પાસે તેનું કોઈ સોલ્યુશ નથી તે સ્પષ્ટ દેખાય છે. સતત સાતમા વર્ષે ખાડીપૂર, ખાડીના ડ્રેજિંગ પાછળ ખર્ચેલા ૪૦ કરોડ પાણીમાં ગયા છે.
ગત વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ ખાડી નજીક બનાવ્યું હતું. સુરતના ખાડીની બંને બાજુ પર પડી રહેલી જમીનને કાયાકલ્પ કરીને સુરત મહાનગરપાલિકાએ શહેરના ‘ ગ્રીન લંગ્સ’ તરીકે ઓળખાતા વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક પ્રોજેક્ટના વિકાસની શૂરઆત કરી હતી. ચોમાસા દરમિયાન ખાડીઓમાં વરસાદી પાણી સંગ્રહ થાય છે. જેનાથી પાણીનો પુન:ઉપયોગ બાગકામ માટે થશે. ફાયટોરેમિડેશન ટેકનીક દ્વારા ખાડીનું પ્રદૂષણ ઓછું કરવામાં મદદરૂપ થશે. ખાડીની દુર્ગંધ દૂર કરવી અને ખાડીના જળ પ્રદૂષણમાં ઘટાડો કરવો પ્રોજેક્ટના મુખ્ય હેતુઓમાં સામેલ છે. પાર્કમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવશે, જેનો ઉપયોગ તળાવો ભરવા અને અન્ય ઉપયોગી હેતુઓ માટે થશે. જેવા અનેક કારણો સુરત પાલિકાએ આપ્યા હતા. ૧૫૦ કરોડ ખર્ચે તાજેતરમાં લોકાર્પણ કરાયેલા બાયોડાયવર્સિટી પાર્કમાં ખાડીના પાણી ફરી વળ્યાં હતાં, જેથી વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન પાર્ક, વિવિધ પ્લાન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. એટલે કે, સુરત પાલિકાનું તમામ આયોજન ફેલ ગયું છે.
સુરતમાં બે દિવસથી પડેલાભારે વરસાદે સીમાડા ખાડી ઓવર ફ્લો થઈ ગઈ છે. જેને પરિણામે લિંબાયત, વરાછા, સરથાણા, અઠવા ઝોનના ખાડી કિનારાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં. હજી હમણા જ પાલિકાએ ખાડીઓના ડ્રેજિંગ પાછળ ૪૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, જે પાણીમાં ગયા હોવાનું સીધેસીધું દેખાઈ રહ્યું છે.
સણીયા હેમાદ ગામ આજે પણ પાણીમાં સંપૂર્ણ ગરકાવ છે. ગતરોજ ની સરખામણીએ બીજા દિવસે પાણીના જળ સ્તરમાં વધારો થયો છે. બીજા દિવસે પણ ખાડી પૂરના પાણી ભરાયેલા જાેવા મળ્યા. ગામનું મંદિર પણ સંપૂર્ણ રીતે પાણીમાં ગરક થઈ ગયું છે. અંદાજિત ૧૦ ફૂટ જેટલા પાણી આજે પણ ભરાયેલા છે. ૧૦ થી વધુ લોકોનું બોટ દ્વાર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ અને માજી સરપંચની ટીમ રાહત કામગીરીમાં જાેતરાઇ છે. સુરતમાં ખાડીના પાણી શહેરના વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. પર્વત ગામનું ગીતાનગર હજી પણ પાણીમાં ગરકાવ છે. ૪૮ કલાક થઇ ગયા પાણી ઘટવાને બદલે વધ્યું છે. આ કારણે લોકો પોતાના જ ઘરમાં કેદ થયા છે. ઘરની બહાર રહેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે.
હજુ કોઇ તંત્રની ટીમ હાજર જાેવા નથી મળી. ખાડી પાણી નહિ ભરાય તેવા મોટા મોટા દાવા કરવાર મનપા પણ ફેલ ગયું છે. ભાટીના મુકિતધામમા હિંદુ સ્મશાનમા પાણી ભરાયા છે. સ્મશાનભૂમિ તરફ જતો મુખ્ય રસ્તો જ પાણીમા ગરકાવ થયો છે. ભાટીના ખાડી બંને કાંઠે વહેતી થઇ છે. ખાડીમાંની આજુબાજુ આવેલા વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
સુરત શહેરમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ છે. રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટમાં ખાડીનું પાણી ફરી વળ્યું છે.માર્કેટમાં પાણી ભરાઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.એક હજારથી વધુ દુકાનમાં પાણી ભરાયા હોવાનું વેપારીઓનું અનુમાન છે.રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ પાસેથી ખાડી પસાર થાય છે.ખાડીનું પાણી માર્કેટમાં ફરી વળતા પાણી ભરાયા છે.માર્કેટ ખાડી પાણીના લીધે કાદવ કિચડ ની સાથે ગંદકી જાેવા મળી છે.માર્કેટ વેપારીઓ મનપા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.મનપાએ પ્રિમોન્સૂન કામગીરી યોગ્ય દિશામાં કરવાની જરૂર હતી.
