સુરત, તા.૨૫
લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા બેભાન દર્દીઓ માટે કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આજે રહેમાન નામના એક વ્યક્તિની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. જાેકે, ફાયર વિભાગ પાસે ઘટનાસ્થળે બોટની સુવિધા ન હોવાથી અવ્યવસ્થા સર્જાઈ હતી અને દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી હતી. આ સંજાેગોમાં, ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ મીઠી ખાડીમાં ભરાયેલા પાણી અને બોટની અછતને કારણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરનારા દર્દીને ૧૦૮ સુધી પહોંચાડવામાં અંદાજે ૩૦ મિનિટનો વિલંબ થયો હતો. આ ઘટના દર્શાવે છે કે ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિમાં તબીબી કટોકટી જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી સુવિધાઓનો અભાવ છે, જેના કારણે નાગરિકોના જીવ જાેખમમાં મુકાઈ શકે છે.