અમદાવાદ,તા.૨૬
ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની ૨૦૩૦ની યજમાની અમદાવાદને આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ હતી. જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે.અમદાવાદને યજમાની મળતાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે.
એટલું જ નહીં, ૨૦૩૦ માટે અમદાવાદને યજમાની મળતાં એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની ૧૦૦મી વર્ષગાંઠ પણ હશે.કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, આપણા દેશમાં કોમનવેલ્થ રમાય તે ખૂબ ગર્વની વાત છે. તમામ ભારતીય માટે ખૂબ ગર્વની વાત છે. આપણા ત્યાંના ખેલાડીઓને પણ તક મળશે. દેશ-દુનિયાના ખેલાડીઓ કેવી રીતે તૈયારીઓ કરે છે અને કેવી રીતે રમાય છે, તે દરેક લોકો આંખે જાેઈ શકશે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આના સફળ આયોજન પછી ઓલિમ્પિક માટેનો આપણો દાવો વધુ મજબૂત થશે. ગુજરાત યજમાની કરવામાં ક્યારેય પાછળ રહેતું નથી. કોમેનવેલ્થ ગેમ ઓલિમ્પિક માટેના દરવાજા ખોલી આપશે, તેવો મને વિશ્વાસ છે.
કોમનવેલ્થ સ્પોર્ટએ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો ર્નિણય લે છે. કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન અને ઇફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે.ઓસ્ટ્રેલિયાએ ૫ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે. હવે ભારતની વાત કરીએ તો ભારતે અત્યાર સુધીમાં ૩ મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે. જેમાં ૧૯૫૧ અને ૧૯૮૨ એશિયન ગેમ્સ અને ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે. આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું.







