(સિટી ટુડે) અમદાવાદ, તા.૦5
ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ તાહિર હકીમ સાહેબ અને વડોદરાના નામાંકિત એડવોકેટ શૌકત ઈન્દોરી સાહેબના ઉમીદ પોર્ટલ પર વકફ નોંધણી અંગેના મંતવ્યો અનુસંધાને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ જીપીસીસી ના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વકફ મિલકત ધારકોને અપીલ કરતાં કહ્યું છે કે ઉપરોક્ત બંને વરિષ્ઠ વકીલોએ આપેલ મંતવ્યોને અનુસરીને વકફ ઉમીદ પોર્ટલ ઉપર પોતાની મસ્જીદ, મદ્રેસા, કબ્રસ્તાન, દરગાહનું આજ રોજ ૫ ડિસેમ્બર અને આવતી કાલ ૬ ડિસેમ્બર-બે દિવસમાં પોર્ટલ પર માહિતી અપલોડ કરવાની કોશિશ કરવી જેથી મંત્રી કિરણ રીજ્જુના મંતવ્ય મુજબ તેમને પણ ૩ માસની સમય મર્યાદામાં વધારાનો લાભ મળી શકશે અને દંડની રકમ ભરવાથી સુરક્ષિત રહી શકશે તેમજ આપ પણ આગામી ૩ માસમાં માહિતી અપલોડ કરનારાઓના લિસ્ટમાં સામેલ થઈ શકશો. અપલોડ માટે કોશિશ કરનારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે.

ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ તાહિર હકીમ સાહેબનું ઉમીદ પોર્ટલ પર વકફ નોંધણી અંગે મંતવ્ય
ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ તાહિર હકીમ સાહેબ અને તેમની ટીમ દ્વારા ઉમીદ પોર્ટલ પર વકફ નોંધણી માટે સમય મર્યાદા વધારવા ગુજરાત વકફ ટ્રીબ્યુનલમાં અરજી દાખલ કરવામાં આવી છે. ગુજરાત વકફ બોર્ડ વકફ ટ્રિબ્યુનલમાં પણ અરજી દાખલ કરશે.
તાહિર હકીમ સાહેબે માહિતી આપતાં જણાવ્યું છે કે લઘુમતી મંત્રાલયના મંત્રી કિરણ રીઝુ એ પોતાના નિવેદનમાં કહ્યું કે જે લોકોએ ઉમીદ પોર્ટલ ઉપર માહિતી અપલોડ કરવાની કોશિશ કરી છે પરંતુ માહિતી અપલોડ કરી નથી શક્યા તેમને ૩ માસનો સમય આપવામાં આવ્યો છે. આ સમય મર્યાદામાં તેઓ પોર્ટલ ઉપર માહિતી અપલોડ કરી શકે છે. તેમની વિરુદ્ધ કોઈ દંડ ફડકારવામાં નહી આવે તેમજ તેમની વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહી આવે.
પરંતુ જે લોકોએ અત્યાર સુધી પોર્ટલ ઉપર માહિતી અપલોડ કરવાની સહેજ પણ કોશિશ નથી કરી તેમના માટે સમય મર્યાદામાં કોઈપણ વધારો કરવામાં આવ્યો નથી. તેમને વકફ ટ્રીબ્યુનલ સમક્ષ જવું પડશે. મારી વકફ મિલકત ધારકોને નમ્ર અરજ છે કે આજ રોજ ૫ ડિસેમ્બર અને આવતી કાલ ૬ ડિસેમ્બર – બે દિવસમાં જે લોકોએ પોર્ટલ પર માહિતી અપલોડ કરવાની કોશિશ નથી કરી તેઓ પ્રયત્ન કરે કે જેથી મંત્રી કિરણ રીજ્જુના મંતવ્ય મુજબ તેમને પણ ૩ માસની સમય મર્યાદામાં વધારાનો લાભ મળી શકશે અને દંડની રકમ ભરવાથી સુરક્ષિત રહી શકશે તેમજ તેમની વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે.
ઉમીદ પોર્ટલ પર માહિતી અપલોડ કરવા માટે સૌ પ્રથમ પોતાનું આઈ.ડી. ક્રીએટ કરવું – ઓટીપી લેવું – ત્યારબાદ આગળ પ્રોસેસ કરવાથી જો તેમાં સફળતા નથી મળતી તો તમે સુરક્ષિત થઈ જશો અને માહીતી અપલોડ કરવાની કોશિશ કરી પરંતુ પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકી જેથી આપ પણ આગામી ૩ માસમાં માહિતી અપલોડ કરનારાઓના લિસ્ટમાં સામેલ થઈ શકશો.
શ્રી તાહિર હકીમ સાહેબે વધુમાં જણાવ્યું કે અલ્લાહ ઉપર ભરોસો છે કે બધું સારું થશે. પરંતુ જો ચૂકાદો આપણા વિરુદ્ધમાં આવે છે તો તેનાથી પણ નિરાશ થવાની જરુર નથી. આપણી સામે હાઈકોર્ટ અને નામદાર સુપ્રિમ કોર્ટના દ્વાર ખુલ્લા જ છે. પરંતુ અમોને આશા છે કે ઈન્શાઅલ્લાહ વકફ ટ્રીબ્યુનલ દ્વારા જ થઈ જશે. હાલમાં પંજાબ વકફ ટ્રીબ્યુનલ અને મધ્ય પ્રદેશ વકફ ટ્રીબ્યુનલે ૨ માસની સમય મર્યાદામાં વધારો કરી આપ્યો છે. રાજસ્થાનમાં પણ પ્રયત્નો હાલમાં ચાલુ છે.
વડોદરાના નામાંકિત એડવોકેટ શૌકત ઈન્દોરી સાહેબનું ઉમીદ પોર્ટલ પર વકફ નોંધણી અંગે મંતવ્ય
શ્રી શૌકત ઈન્દોરી સાહેબે માહિતી આપતાં જણાવ્યું છે કે લઘુમતી મંત્રાલયના મંત્રી કિરણ રીઝુ એ પોતાના નિવેદનમાં કહ્યું કે વકફ મિલકત નોંધણી માટે કોઈ સમય મર્યાદા વધારાઈ નથી. એવું સ્પષ્ટ નિવેદન મંત્રી કિરણ રીજિજુએ આપ્યું છે.
કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરણ રીજિજુએ આજે સંપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે વકફ માટે કોઈ સમય મર્યાદા વધારવાની જાહેરાત કે નોટિફિકેશન આવશે નહીં. કાયદામાં કોઈ ફેરફાર નહીં થાય. કેન્દ્ર સરકાર પોતે ડેડલાઇન લંબાવશે નહી એવી તમામ આશાઓનો અંત આવ્યો છે.
સમય વધારવાની સત્તા કોને આપવામાં આવી છે?:
પાર્લામેન્ટે વકફ (સુધારો) અધિનિયમ, ૨૦૨૫ હેઠળ સમય મર્યાદા વધારવાનો અધિકાર માત્ર વકફ ટ્રિબ્યુનલને આપ્યો છે. તેમાં સરકાર કોઈ હસ્તક્ષેપ કરશે નહીં.
મંત્રીએ ચીમકી આપતા કહ્યું કે “જે મુતવલ્લી ૩ મહિનામાં ટ્રિબ્યુનલની પરવાનગી લીધા વગર અપલોડ નહીં કરે – તેને દંડ અને સજા બંને થશે.”
આ નિવેદનનો સીધો અર્થ એ થાય છે કે ૬ ડિસેમ્બર ૨૦૨૫ પછી આગામી ૩ મહિનામાં ટ્રિબ્યુનલ પાસેથી પરવાનગી લીધા વગર UMEED પોર્ટલ પર માહિતી અપલોડ ન કરનાર દરેક મુતવલ્લી પર સરકાર દ્વારા કડક કાર્યવાહી થશે.
મહત્વપૂર્ણ સ્પષ્ટીકરણ (મોટાભાગના મુખ્ય બિંદુ)
“Partial Upload” safe નથી. માહિતી ૮૦% અપલોડ કરી હોય કે ૨૦% જો ૬ ડિસેમ્બર સુધી ૧૦૦% કામ પૂરું ન થયું હોય, તો ટ્રિબ્યુનલ જવું ફરજિયાત છે. આગામી ૩ મહિના અંદર ટ્રિબ્યુનલની મંજૂરી લઈ upload કરશો તો દંડ/સજા લાગુ નહીં પડે.
ટ્રિબ્યુનલ જવું એટલે શું?:
નાણાનો ખર્ચ, સમયનો ખર્ચ, કાનૂની પ્રક્રિયાની તકલીફ એ પણ સજા કરતાં ઓછી નથી.
અંતિમ નિષ્કર્ષ (એકદમ સ્પષ્ટ માર્ગદર્શન)
૧) જે વકફ સંસ્થાઓ ૬-૧૨-૨૦૨૫ સુધી UMEED પોર્ટલ ઉપરની પ્રક્રિયા પૂરી નહીં કરે— તેઓને વકફ ટ્રિબ્યુનલ સમક્ષ જવું ફરજિયાત છે.
૨) જે સંસ્થાઓ 6-12-2025 પછીના ૩ મહિનામાં ટ્રિબ્યુનલની પરવાનગી લઈ પૂર્ણ માહિતી અપલોડ નહીં કરે – તેમની વિરુદ્ધ દંડ, સજા અને કડક પગલાં સરકાર લેશે.









