સુરત, તા.૦૧
સુરત અને તાપી જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી સુમુલ ડેરીના કેટલાક ડિરેક્ટરોની જ મિલીભગતમાં મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી દૂધ લાવીને સૂચિત મંડળી, દૂધ ખરીદ કેન્દ્રો મારફતે સુમુલ ડેરીમાં પધરાવવાનો ધીકતો ધંધો ધમધમી રહ્યો છે. ત્યારે આવી સૂચિત મંડળીઓ અને મંડળો પાસેથી તાત્કાલિક અસરથી દૂધ લેવાનું બંધ કરી દેવાતા સુરત જિલ્લા રજિસ્ટ્રારે આદેશ જારી કર્યો છે. તેમજ નોંધાયેલી પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પાસેથી જ દૂધ લેવા આદેશ કર્યો છે. આ સાથે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને પણ પત્ર લખાયો છે.
સુમુલ ડેરીમાં વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી પહેલાં જ વર્તમાન પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક સામે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે. ભાજપ સામે ભાજપના જ હોદ્દેદારો એકબીજા સામે મેદાનમાં ઊતર્યા છે. જાેકે, વીતેલા પાંચ વર્ષમાં પ્રમુખ અને ઉપપ્રમુખની લડાઈમાં ડેરીનો ખો નીકળી ગયો છે. બીજી તરફ બહારથી દૂધ લાવીને સુમુલ ડેરીમાં પધરાવવાનો ધીકતો ધંધો વીતેલા બે વર્ષમાં વધી ગયો છે. કામરેજમાં વીતેલા બે વર્ષમાં દૂધની આવક દોઢ કરોડ લિટર વધી ગઈ છે. હવે કામરેજ વિસ્તારમાં પશુઓની સંખ્યાની ગણતરી કરવામાં આવે તો મસમોટું ભોપાળું બહાર આવે તેમ છે. બહારથી દૂધ લાવીને સુમુલમાં ભરનારા સામે કાર્યવાહી કરવા માટે અવાજ ઉઠાવનારાઓને માર ખાવાનો વખત આવ્યો હતો. હવે બહારથી દૂધ લાવીને સુમુલ ડેરીમાં પધરાવવા મુદ્દે વિવાદનો મધપૂડો છંછેડાતા સુરત જિલ્લા રજિસ્ટારે સરકારી પરિપત્ર જારી કરી સૂચિત મંડળીઓ અને મંડળો પાસેથી દૂધ ખરીદવાનું તાત્કાલિક અસરથી બંધ કરી દેવા આદેશ જારી કર્યો છે.
સુમુલ ડેરીમાં પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક વચ્ચે ચાલી રહેલી રાજકીય લડાઈથી માંડીને કરોડોના ભ્રષ્ટાચારની તપાસ, બહારથી દૂધ લાવીને સુમુલ ડેરીને પધરાવવા સહિતના મુદ્દાઓ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે. આ સાથે જ દૂધ મંડળીમાં પશુઓની સંખ્યા કરતાં વધારે દૂધ ભરવામાં આવતું હોવા અંગે પણ ફરિયાદ કરી છે. તેવી જ રીતે કુકરમુંડા દૂધ મંડળીમાં પશુઓની સંખ્યા સામે ભરવામાં આવતા દૂધની જથ્થાની વિગત સાથે ફરિયાદ કરાઈ છે.
કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા કરાયેલા આક્ષેપો મુજબ, સુમુલ ડેરી અમૂલ પેટર્નના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી રહી છે અને મહારાષ્ટ્રમાંથી દૂધ ખરીદી રહી છે. આટલું જ નહીં, મંડળીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા “હૂંફાળા દૂધ” માં મહારાષ્ટ્રના “ઠંડા દૂધ” ની ભેળસેળ કરવામાં આવી રહી છે, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને વિશ્વાસ સાથે ચેડાં સમાન છે. આ મામલે અત્યાર સુધીમાં ૨૫ જેટલી મંડળીઓને ૩.૫૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે આ આક્ષેપોને સમર્થન આપે છે. દર્શન નાયકે તેમના પત્રમાં જણાવ્યું છે કે આ “ઉઘાડી લૂંટ” ચાલતી હોવા છતાં જિલ્લા રજિસ્ટ્રાર અને ઓડિટર મિલ્ક જેવા અધિકારીઓ મોડેથી જાગ્યા છે. તેમણે માંગ કરી છે કે આ અધિકારીઓની પણ જવાબદારી ફિક્સ કરવામાં આવે. હાલમાં, રજિસ્ટ્રારે સુમુલને સૂચિત મંડળીઓ અને મંડળો પાસેથી દૂધ ન લેવા અને તાત્કાલિક અસરથી દૂધ લેવાનું બંધ કરવા આદેશ આપ્યો છે. ફક્ત રજિસ્ટર્ડ મંડળીઓ પાસેથી જ દૂધ ખરીદવા માટે સુમુલને નિર્દેશ આપવામાં આવ્યો છે. દર્શન નાયકે જણાવ્યું હતું કે, સુમુલના ડિરેક્ટરો “દલા તલવાડીની નીતિ” અપનાવી રહ્યા છે અને “કુંલડીમાં ગોળ ભાંગવાનું” કામ કરી રહ્યા છે, જે ડેરીના હિતોને નુકસાન પહોંચાડી રહ્યું છે. તેમણે ખાસ કરીને મહારાષ્ટ્રથી મંડળીઓ દ્વારા લાવવામાં આવતા દૂધની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા છે અને તેની સઘન તપાસની માંગ કરી છે. નાયકે આક્ષેપ કર્યો છે કે આ દૂધ સુમુલના નામે પધરાવવામાં આવી રહ્યું છે, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ડેરીની પ્રતિષ્ઠા સાથે ચેડા સમાન છે. દર્શન નાયકે સુમુલની સંપૂર્ણ બોડી સામે દરખાસ્ત લાવવામાં આવે અને આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ આરોપો બાદ સુમુલ ડેરીના સંચાલકો તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આ ઘટનાક્રમથી દૂધ ઉત્પાદકો અને ગ્રાહકોમાં ચિંતા વ્યાપી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.
