સુરત, તા.૩૦
સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ મોટા વરાછા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં ૯૪૩ કરોડના આર્થિક વ્યવહારો સામે આવ્યા છે અને ૮ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટ “સનરાઈઝ ડેવલપર્સ” નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતું હતું. મોટા વરાછાના લજામણી ચોક ખાતે આવેલા મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલી “સનરાઈઝ ડેવલપર્સ” નામની ઓફિસમાંથી આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી. ર્જીંય્ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ ઓફિસમાં બે મુખ્ય ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી. ઓનલાઈન સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગની જેમ જ, પણ સેબીનીની પરવાનગી વગર, “Castilo 9” અને “Stock grow” જેવાં સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવતું હતું.
“BET FAIR.COM”, “NEXON EXCH.COM”, “PAVANEXCH”, “ENGLISH999” જેવી પ્રતિબંધિત વેબસાઇટ્સ અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને લાઇવ ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ જેવી સ્પોર્ટ્સ તેમજ કસિનો ગેમિંગ પર સટ્ટાબાજી કરવામાં આવતી હતી. આરોપીઓ લોકોને ઊંચા નફાની લાલચ આપીને અને બ્લેક મનીનો ઉપયોગ કરવાની સુવિધા આપીને ગ્રાહકોને આકર્ષતા હતા. તેઓ દાવો કરતા હતા કે આ ટ્રેડિંગમાં કોઈ નુકસાન થતું નથી અને કોઈ ટેક્સ પણ ભરવો પડતો નથી, જેનાથી સરકારને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હતું.
ગેમિંગ એપ્લિકેશન સહિત ડબ્બા ટ્રેડિંગની એપ્લિકેશનોમાં ૯૪૩ કરોડના વ્યવહારો મળ્યા છે. આ ઉપરાંત અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ૪.૬૨ કરોડનાં અન્ય ટ્રાન્ઝેક્શનનો પણ મળ્યાં છે. આરોપીઓ ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઇન ટ્રેડિંગ કરાવતા હતા. એસઓજીને ઓફિસમાંથી એક પેપર કટિંગ મશીન પણ મળ્યું હતું. આ મશીનનો ઉપયોગ ઓફિસમાં વપરાયેલા કાગળોનો ચૂરો કરવા માટે થતો હતો. આનાથી ગુનેગારોને એવું લાગતું હતું કે કોઈને ખબર નહીં પડે કે કાગળોનો શું ઉપયોગ કરવામાં આવ્યો છે? અને આ રીતે તેઓ તેમના ગેરકાયદે વ્યવહારોના પુરાવાઓનો નાશ કરતા હતા, ખાસ કરીને કાળા નાણાંના વ્યવહારોને છુપાવવા માટે.
