ગાઝા, તા.૨૩
સીઝફાયર વચ્ચે ઈઝરાયલે ગાઝામાં ફરી હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં ૨૦ લોકોના મોત થયા છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, આ હુમલામાં ૮૦થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, પહેલો હુમલો રિમલ વિસ્તારમાં એક કાર પર થયો હતો, જેના કારણે તેમાં આગ લાગી ગઈ હતી. આ હુમલામાં પાંચ લોકોના મોત થઈ ગયા છે. બે વર્ષના યુદ્ધ બાદ ૧૦ ઓક્ટોબરે ઈઝરાયલ અને હમાસ વચ્ચે અમેરિકાની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ કરાર પછી શનિવારનો દિવસ સૌથી ઘાતક દિવસોમાંથી એક હતો.
કાર હુમલાના થોડા સમય બાદ ઈઝરાયલે દેર અલ-બલાહ શહેર અને નુસેરત કેમ્પમાં બે ઘરો પર બે અલગ-અલગ હવાઈ હુમલા કર્યા, જેમાં ૧૦ લોકો માર્યા ગયા. શનિવારે જ પશ્ચિમ ગાઝામાં એક ઘર પર ઈઝરાયલી હવાઈ હુમલામાં પાંચ પેલેસ્ટિનિઓ માર્યા ગયા હતા. ઘટનાસ્થળ પર હાજર એક ફોટોગ્રાફરે પસાર થતા લોકોને બળી ગયેલી કારના કાટમાળ તરફ જતા જાેયા અને બાળકો અંદરથી ખાવાનું નીકાળવાનો પ્રયાસ કરતા દેખાયા.
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે હમાસ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈઝરાયલી સેનાએ કહ્યું કે, એક બંદૂકધારી ઈઝરાયલી કબજા હેઠળના ગાઝાના વિસ્તારમાં ઘૂસી ગયો જ્યાંથી માનવતાવાદી સહાય દક્ષિણ ગાઝા સુધી પહોંચે છે. ઈઝરાયલે તેને યુદ્ધવિરામનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાવ્યું હતું. ઈઝરાયલે કહ્યું કે, યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનના જવાબમાં ગાઝા પર આ હુમલાઓ કરવામાં આવ્યા છે. હમાસે ઈઝરાયલી સેનાના આરોપોને ફગાવી દીધા. બે વર્ષ લાંબા ગાઝા યુદ્ધ પછી ૧૦ ઓક્ટોબરે યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા હોવા છતાં હિંસા સંપૂર્ણપણે બંધ નથી થઈ.









