સુરત, તા.૨૪
રાજ્યમાં દિવસે ને દિવસે બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓનાં મોતની ઘટના સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકામાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી અને બીએલઓ તરીકે વધારાની જવાબદારી સંભાળતી ૨૬ વર્ષીય ડિન્કલ શીંગોડાવાલાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. દીકરીના મોતને પગલે હોસ્પિટલ પરિસર પરિવારના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી. તો બીજી તરફ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બીએલઓ તરીકે ફરજ બજાવતી મહિલાની અચાનક તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઉપરાંત જામનગરમાં ૭૯-વિધાનસભા વિસ્તારમાં સત્યમ કોલોની, આહીર સમાજ પાસે મસીતીયા વાડી શાળાના શિક્ષિકા હિરલબેન ત્રિવેદી બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામમાં ૨૬ વર્ષીય ડિન્કલ મહેશભાઈ શીંગોડાવાલા પરિવાર સાથે રહેતી હતી. તે હાલ સુરત મનપાના વરાછા ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી. ચૂંટણીપંચ દ્વારા તેને સરની કામગીરી માટે બીએલઓ તરીકે વધારાની જવાબદારી સોંપી હતી, જાેકે આજે ડિન્કલ પોતાના ઘરે બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. આ અંગે પરિવારને જાણ થતાં જ ડિન્કલને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલ લઈને આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવાન મહિલા અધિકારીના અચાનક મોતને કારણે અનેક સવાલો ઊભા થયા છે. રાજ્યમાં અગાઉ પણ બીએલઓની કામગીરીના વધતા ભારણને કારણે શિક્ષકોના આત્મહત્યા અને હૃદયરોગના કારણે મોતના કિસ્સા સામે આવી ચૂક્યા છે.
પોલીસ અને વહીવટી તંત્ર માટે આ મોત તપાસનો વિષય બન્યો છે કે શું બીએલઓ તરીકેની વધારાની અને અત્યંત દબાણવાળી કામગીરીના માનસિક-શારીરિક ભારણને કારણે તેમનું મોત થયું? શું બાથરૂમમાં કોઈ અકસ્માત, લપસી જવું કે અન્ય કોઈ તબીબી કારણ (જેમ કે હાર્ટ-એટેક કે બ્રેઇન હેમરેજ) જવાબદાર છે? પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
ડિન્કલ શીંગોડાવાલાના અકાળે મોતથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઉપરાંત બીએલઓ તરીકેની કામગીરી કરતા અન્ય કર્મચારીઓ અને મહાનગરપાલિકાના સ્ટાફમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. રાજ્યમાં બીએલઓના સતત મોતના બનાવોથી કર્મચારીઓમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે.








