મેરઠ, તા.૩
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સિંચાઈ વિભાગમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મોહિત નામના બાબુએ કથિત રીતે કામના અતિશય દબાણથી કંટાળીને ઝેરી પદાર્થ ખાઈ લીધો છે. મોહિતની બૂથ લેવલ ઓફિસર તરીકે ‘સર’ની કામગીરીમાં ડ્યૂટી સોંપવામાં આવી હતી. હાલમાં તેઓ ગંભીર હાલતમાં મેરઠની લોકપ્રિય હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ગઢ રોડ સ્થિત મુરલીપુરા ગામના રહેવાસી મોહિતને પલ્લવપુરમમાં બીએલઓ તરીકેની ડ્યૂટી આપવામાં આવી હતી. તેમનો આરોપ છે કે કામ પૂરું ન થવાને કારણે સુપરવાઇઝર આશિષ શર્મા દ્વારા તેમના પર સતત દબાણ બનાવવામાં આવતું હતું. મંગળવારે પણ સુપરવાઇઝરે ઝડપથી કામ પૂરું કરવા દબાણ કરતાં મોહિતે નારાજ થઈને ઘરે જઈ ઝેર ખાધું હતું.
મોહિતની પત્ની જ્યોતિએ જણાવ્યું હતું કે આ સતત દબાણને કારણે મોહિત ડિપ્રેશનમાં હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે બીએલઓ ની ડ્યૂટી સોંપવામાં આવી હોવા છતાં મોહિતને કોઈ તાલીમ આપવામાં આવી નહોતી. ઘટના બાદ વિભાગીય યુનિયનના કાર્યકર્તાઓએ હોસ્પિટલમાં જઈને હંગામો પણ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.









