સુરત, તા.૦૬
સુરત શહેરમાં ભારે વાહનોના બેફામ પ્રવેશ અને સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના પગલે ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં બનેલી બે ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, તે પછી ટ્રાફિક વિભાગે નક્કી કર્યું છે કે હવે નિયમ તોડનારા વાહનચાલકો સામે ફક્ત રૂ. ૧,૦૦૦નો દંડ નહી પણ સીધી ફરીયાદ નોંધવામાં આવશે અને આરટીઓના નિયમો પ્રમાણે રૂ.૧૦,૦૦૦ સુધીનો દંડ વસૂલવામાં આવશે. આ નવા પગલાંઓ સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે. શહેરના અમુક વિસ્તારોમાં ભારે વાહનો માટે પ્રવેશનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે પરંતુ, વાહનચાલકો આ નિયમોને અવગણીને ગમે ત્યારે શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં બનેલી ઘટનાઓએ આ સમસ્યાની ગંભીરતા ઉજાગર કરી છે. આ ઘટનાઓને પગલે સુરત ટ્રાફિક પોલીસે એક નવો કડક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. આ અંગે ટ્રાફિક વિભાગના એસીપી એસ.આર. ટંડેલે જણાવ્યું કે,”અગાઉ અમે માત્ર જાહેરનામા ભંગના કાયદા હેઠળ ૧,૦૦૦નો દંડ ફટકારીને કામગીરી કરતા હતા પરંતુ, હવે પરિસ્થિતિની ગંભીરતા જાેતા અમે કાયદાકીય કાર્યવાહીને વધુ કડક બનાવી રહ્યા છીએ. ભારે વાહનોની બેફિકરાઈને કારણે રસ્તા પર અન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાય છે. હવે આ સ્થિતિને અટકાવવા માટે કડક પગલાં લેવા અનિવાર્ય છે. વાહનચાલકોએ આ નવા નિયમોને ગંભીરતાથી લેવા અને તેનું પાલન કરવું.”
