નવી દિલ્હી, તા.૬
ગુજરાત બોર્ડ દ્વારા ધો. ૯થી ૧૨માં કેટલાક વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ બદલવામાં આવ્યા છે અને નવા પરિરૂપ જાહેર કરાયા છે. કારણ કે, સરકારના ઠરાવ મુજબ, ધો. ૯થી ૧૨માં પ્રથમ ભાષાના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના બે-બે પાઠ ઉમેરવામાં આવ્યા છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ સહિતના ચાર પ્રથમ ભાષા વિષયોમાં આ પાઠ ઉમેરવામાં આવતાં આ ચારેય વિષયના પરિરૂપ બદલાયા છે. જેથી હવે આ ચારેય ભાષાના વિષયોમાં આ વર્ષથી પ્રથમ અને દ્વિતિય સત્રની પરીક્ષામાં અને બોર્ડ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને ગીતાના પાઠમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા સ્કૂલોમાં ભગવદ્ ગીતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો, જેને પગલે પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના શ્લોકો સાથેના પાઠ ભણાવવાનું શરુ કરાયું છે. ગત વર્ષે ધો. ૯થી ૧૨માં ગુજરાતી પ્રથમ ભાષાના પુસ્તકમાં બે ચેપ્ટરના વધારા સાથે નવું પુસ્તક તૈયાર થઈ ગયું હતું. આ પુસ્તકને ગુજરાતીમાં પાછલા વર્ષથી જ ભણાવવાનું શરુ કરી દેવાયું હતું. જાેકે, બાકીની ભાષામાં પુસ્તક તૈયાર ન હોવાથી ગુજરાતીમાં પરીક્ષામાં ગીતાના પાઠના પ્રશ્નો પૂછવામાં આવતા ન હતા.
પરંતુ, હવે પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો. ૯થી ૧૨માં ગુજરાતી ઉપરાંત ઉર્દુ, હિન્દી અને અંગ્રેજી એમ બાકીના ત્રણેય પ્રથમ ભાષાના પુસ્તકોમાં ગીતાના શ્લોકો સાથેના પાઠનું અનુવાદ તૈયાર કરી દેવાયું છે. આ સિવાય નવા પુસ્તકો તૈયાર કરી દેવાતા બોર્ડ દ્વારા આ વર્ષથી ચારેય ભાષામાં નવા પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ શરુ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડ દ્વારા તમામ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઑફિસરને આ બાબતે પરિપત્ર કરીને સ્કૂલોને ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી નવા પુસ્તક-નવા પરિરૂપનો અમલ કરાવવા આદેશ કરાયો છે. બોર્ડના જણાવ્યા મુજબ, પ્રશ્નપત્ર પરિરૂપમાં નિષ્ણાતો દ્વારા સુધારા કરવામાં આવ્યા છે અને ૧૭ જુલાઈની બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં કરાયેલા ર્નિણય અન્વયે આ વર્ષથી ૯થી ૧૨માં પ્રથમ ભાષા વિષયોના અભ્યાસક્રમનું માસવાર આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ કરવામાં આવ્યો છે. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રથમ ભાષાના પાઠ્ય પુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામા આવ્યો છે ત્યારે હિન્દી, ગુજરાતી, ઉર્દુ અને અંગ્રેજી સહિતની ચાર ભાષાના પુસ્તકોમાં બે-બે ચેપ્ટર ઉમેરાયા છે.
